Surat News : સુરત (Surat) જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામમાં મોડી રાત્રે દીપડો (Leopard)રહેણાંક વિસ્તારમાં આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. દીપડો શેરીમાં બિન્દાસ્ત રીતે ફરતો હોય તે દૃશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
CCTVમાં કેદ થયેલા દૃશ્યોમાં દીપડો મોડી રાત્રે શેરીમાંથી પસાર થતો જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં દીપડા (Leopard)ની હાજરીથી સ્થાનિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળતા લોકો અને પશુપાલકોમાં ભય જોવા મળી રહ્યો છે.

દીપડાના આંટાફેરાની જાણ થતાં સ્થાનિકો દ્વારા વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. દીપડો કયા વિસ્તારમાંથી આવ્યો અને તે આસપાસના વિસ્તારમાં હજુ પણ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
સ્થાનિક ગ્રામજનો દ્વારા દીપડાને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું મૂકવાની માંગ કરવામાં આવી છે. સાથે જ રાત્રિના સમયે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ સ્થાનિકોએ માગ કરી છે.
