Surat News: સુરત જિલ્લાની સૌથી મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓમાંની એક સુમુલ ડેરીની ચૂંટણી (Sumul Dairy Election) પહેલા જ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ પાંચ બેઠકો પર બિનહરીફ જીત મેળવી પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.
Sumul Dairy Election: સુમુલ ચૂંટણીમાં મોટો ખેલ
સુમુલ ડેરીની કુલ 16 બેઠકો માટે ચૂંટણી (Sumul Dairy Election) યોજાવાની છે. જેમાંથી પાંચ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પરિણામોને ભાજપ માટે મહત્વપૂર્ણ રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે.
બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોમાં ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈ, કામરેજ બેઠક પરથી બળવંત પટેલ, માંગરોળ બેઠક પરથી રાજુ પાઠક, બારડોલી બેઠક પરથી અજયભાઈ અને પલસાણા બેઠક પરથી ભરતભાઈ ડાભીનો સમાવેશ થાય છે. ઉમેદવારોની બિનહરીફ જીત બાદ તેમના સમર્થકો અને કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
જોકે ચૂંટણી (Sumul Dairy Election)નો રસ હજુ યથાવત છે, કારણ કે બાકીની 11 બેઠકો પર હવે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ બેઠકો પર ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી શકે છે.
ચૂંટણી (Sumul Dairy Election) દરમિયાન સૌથી વધુ ચર્ચામાં આવેલી બેઠક વાલોડ છે. અહીં ભાજપના જ બે નેતાઓ સામસામે આવી જતા પક્ષ માટે અસ્વસ્થ સ્થિતિ સર્જાઈ છે. નરેશ પટેલ અને રાજુ આહીર બંનેએ ઉમેદવારી નોંધાવતા આંતરિક વિખવાદ સામે આવ્યો છે.
આ મામલે ભાજપ સંગઠને પણ કડક વલણ અપનાવ્યું છે. પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. પક્ષ દ્વારા સસ્પેન્શન સહિતના પગલાં ભરવામાં આવી શકે છે તેવો સંકેત પણ આપવામાં આવ્યો છે.
સુમુલ ડેરીની ચૂંટણીને માત્ર સહકારી ક્ષેત્રની ચૂંટણી નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના રાજકીય પ્રભાવ સાથે પણ જોડીને જોવામાં આવે છે. તેથી આગામી દિવસોમાં બાકીની બેઠકો પર થનારી ચૂંટણી પર તમામ રાજકીય વર્તુળોની નજર રહેશે.
હાલ પાંચ બેઠકો પર મળેલી બિનહરીફ જીતથી ભાજપે મજબૂત શરૂઆત કરી છે, જ્યારે બાકીની બેઠકોના પરિણામો સમગ્ર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ કરશે.
આ પણ વાંચો:સુમુલ ડેરીની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો, જયેશ દેલાડનું નામ મતદાર યાદીમાંથી રદ થતાં વિવાદ
આ પણ વાંચો:સુરતની સુમુલ ડેરીમાં 15મી જુલાઈ થશે ચૂંટણી
આ પણ વાંચો:સુરત-તાપી પશુપાલકો માટે કિલોફેટ દૂધ પર રૂ.120ના બોનસની સુમુલ ડેરીની જાહેરાત
