Surajkund Mela Accident 2026: હરિયાણાના પ્રખ્યાત સૂરજકુંડ મેળામાં વીકેન્ડની મજા માણવા આવેલા પ્રવાસીઓ માટે શનિવારની સાંજ કાળ બનીને આવી હતી. મેળામાં લોકોથી ખીચોખીચ ભરેલો ‘સુનામી ઝૂલો’ અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં લોકોને બચાવવા માટે જીવના જોખમે ઝૂલા પર ચડેલા એક પોલીસ ઈન્સ્પેક્ટરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
બચાવ કાર્ય દરમિયાન ઈન્સ્પેક્ટરે જીવ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ, પલવલમાં તૈનાત ઈન્સ્પેક્ટર જગદીશ પ્રસાદ મેળામાં ફરજ પર હતા. જ્યારે ઝૂલો હવામાં અટકી ગયો અને લોકોએ બૂમાબૂમ કરી, ત્યારે ઈન્સ્પેક્ટર જગદીશ પ્રસાદ અને અન્ય લોકો તેમને નીચે ઉતારવા માટે ઝૂલા પર ચડ્યા હતા. આ દરમિયાન અચાનક ઝૂલો ફરી શરૂ થઈને નીચે તૂટી પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ઈન્સ્પેક્ટરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Surajkund Mela : દુર્ઘટના સમયે 18 લોકો સવાર હતા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સાંજે 06:15 વાગ્યાની આસપાસ જ્યારે આ રાઈડ હવામાં હતી ત્યારે તેમાં 18 લોકો સવાર હતા. અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ઝૂલો ઉપર અટકી ગયો હતો. લોકો જીવ બચાવવા બૂમો પાડી રહ્યા હતા. સ્થાનિક દુકાનદાર રાઘવ અને પોલીસકર્મીઓએ લગભગ 8 લોકોને નીચે ઉતાર્યા હતા, પરંતુ બાકીના 10 લોકો ઉતરે તે પહેલા જ ઝૂલો ધરાશાયી થયો હતો.
તપાસ માટે કમિટીની રચના
જિલ્લા ઉપાયુક્ત (DC) આયુષ સિંહે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આ અકસ્માતમાં કુલ 13 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એક પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત થયું છે. મેળામાં દરરોજ ઝૂલાઓનું ઈન્સ્પેક્શન થતું હોવા છતાં આ દુર્ઘટના કેવી રીતે ઘટી તેની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવી છે. હાલમાં સુરક્ષાના કારણોસર મેળાનું ગ્રાઉન્ડ ખાલી કરાવવામાં આવ્યું છે અને બેરિકેટિંગ કરી દેવાયું છે.
