Surat Jahangirpura Firing Hammer Attack: ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગી રહ્યું છે. જહાંગીરપુરા વિસ્તારની જાનકી રેસિડેન્સીમાં સોસાયટીના મેન્ટેનન્સ અને ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં એક યુવક પર હથોડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?
જહાંગીરપુરાની જાનકી રેસિડેન્સીમાં રહેતા ચિરાગ કાંતીલાલ કોસંબિયા ૨૨ માર્ચના રોજ રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે સોસાયટીના ગાર્ડન પાસે મિત્રો સાથે આગામી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન સોસાયટીમાં જ રહેતા ભરત સુરતી ત્યાં આવી પહોંચ્યા હતા અને મીટિંગ અંગે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતી.
“આજે તો તને પતાવી જ નાખું”
વિવાદ એટલો વકર્યો કે ભરત સુરતીએ પોતાના અન્ય સાથીઓ હિરેન બરોડીયા અને ડો. વિપુલ બરોડીયાને નીચે બોલાવ્યા હતા. ભરત સુરતી સેન્ટિંગ કામમાં વપરાતો હથોડો લઈને આવ્યો હતો અને ચિરાગને ધમકી આપતા કહ્યું કે, “તારા નાટક વધી ગયા છે, આજે તો તને પતાવી જ નાખું.” આટલું કહીને તેણે ચિરાગના ગળાના ભાગે હથોડાનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો.

જોનારા બાળકો ચીસ પાડી ઉઠ્યા
ઘટના સમયે ત્યાં હાજર અન્ય રહીશો આ હુમલો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યાં ઉભેલા નાના બાળકો અને મહિલાઓ હુમલો જોઈને રીતસર ચીસ પાડી ઉઠ્યા હતા. આ સમગ્ર ઘટના ત્યાં હાજર એક વ્યક્તિના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ઉશ્કેરાયેલા શખ્સો યુવક પર તૂટી પડ્યા હતા.
Surat પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
હુમલા બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. ઇજાગ્રસ્ત ચિરાગ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ભરત સુરતી, હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે લાઈવ વીડિયો ફૂટેજ અને ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
