Surat News/ સુરતમાં મિલેનિયમ માર્કેટ-2 માં ફરી લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

સુરતના રિંગ રોડ પર આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં 14 એપ્રિલે અચાનક ભીષણ આગ લાગતા વેપારીઓમાં દોડધામ. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ. અગાઉ 20 ફેબ્રુઆરીએ પણ લાગી હતી આગ.

Gujarat Surat
Surat Fire News

Surat Fire News: ગુજરાતના આર્થિક પાટનગર અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા રિંગ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2 માં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. માર્કેટની એક દુકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ડરનો માહોલ સર્જાયો છે.

ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે

ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો મસમોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ સુરત ફાયર વિભાગને એલર્ટ કરવામાં આવ્યું હતું. હાલમાં ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ફાયર ફાઈટરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે જેથી આગ આસપાસની અન્ય દુકાનોમાં ન પ્રસરે.

આગનું કારણ અકબંધ

પ્રાથમિક માહિતી મુજબ, માર્કેટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, કાપડ અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગ અત્યંત ઝડપથી ફેલાઈ હોવાની આશંકા છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ માલસામાનનું મોટું નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે.

20 ફેબ્રુઆરીએ પણ લાગી હતી વિકરાળ આગ

અત્રે નોંધનીય છે કે, મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2 માં આગ લાગવાની આ કોઈ પહેલી ઘટના નથી. થોડા સમય પહેલા જ, 20 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે આ જ માર્કેટમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. તે ઘટનામાં પણ વેપારીઓનો લાખો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ટૂંકા ગાળામાં જ માર્કેટમાં બીજી વાર આગની ઘટના બનતા હવે માર્કેટના ફાયર સેફ્ટીના સાધનો અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.