Monsoon Forecast 2026: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાની ચાતક નજરે રાહ જોતા રાજ્ય અને દેશના ખેડૂતો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વર્ષ 2026 ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને (Monsoon) લઈને પહેલું સત્તાવાર પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ, ચાલુ વર્ષે દેશમાં ચોમાસું ‘સામાન્યથી નબળું’ (Below Normal) રહેવાની પ્રબળ શક્યતા છે, જેની સીધી અસર ખેતી અને અર્થતંત્ર પર પડી શકે છે.
દેશભરમાં ‘અલ નીનો’ (El Nino) નો જોવા મળશે પ્રભાવ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસાની સિઝન એટલે કે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન પ્રશાંત મહાસાગરમાં ‘અલ નીનો’ ની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. અલ નીનો સક્રિય થવાને કારણે ભારતીય ઉપખંડમાં ભેજવાળા પવનોની ગતિ ધીમી પડે છે, જેના પરિણામે વરસાદ ખેંચાય છે. IMD એ સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષે આખા દેશમાં અલ નીનોનો પ્રભાવ જોવા મળશે.
આખા દેશમાં માત્ર 92 ટકા વરસાદની સંભાવના
IMD ના આંકડાકીય અનુમાન મુજબ, 2026 ના વર્ષમાં દેશભરમાં લોંગ પિરિયડ એવરેજ (LPA) ના 92 ટકા જેટલો જ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે LPA 90 થી 95 ટકાની વચ્ચે રહી શકે છે, જેને હવામાનની ભાષામાં ‘સામાન્યથી ઓછો’ અથવા ‘નબળો’ વરસાદ ગણવામાં આવે છે.
ગુજરાતમાં કેવું રહેશે Monsoon ?
આ આગાહી ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. IMD ના રિપોર્ટમાં જણાવાયું છે કે અલ નીનોની અસરના કારણે ગુજરાત રાજ્યમાં પણ આ વર્ષે સામાન્યથી ઓછો વરસાદ પડશે. ગુજરાતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત (ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં) હોવાથી, જો વરસાદ ઓછો પડશે તો ખરીફ પાકના ઉત્પાદન પર મોટી અસર જોવા મળી શકે છે. તેમજ ડેમોમાં પાણીની આવક પર પણ તેની અસર વર્તાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં માવઠું, રોડ રસ્તાઓ થયા પાણી પાણી
આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં,પલટાશે વાતાવરણ
આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, પવન રહેશે એકદમ સાનુકૂળ: અંબાલાલ પટેલ
