Surat News : દક્ષિણ ગુજરાત અને દમણ નજીકના દરિયાઈ વિસ્તારમાં અઝરબૈજાનમાં નોંધાયેલા વિમાન (Azerbaijan Plane)માંથી મળેલા ડિસ્ટ્રેસ સિગ્નલ (Distress Signal)ને પગલે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (Surat Airport)પર તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સંભવિત વિમાની કટોકટીની આશંકાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ઈમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યા હતા. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સુરત એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સનું સંચાલન સામાન્ય રીતે ચાલુ રહ્યું હતું.
અઝરબૈજાનમાં નોંધાયેલા વિમાન (Azerbaijan Plane)માંથી મળ્યો ઈમરજન્સી સંદેશ

માહિતી મુજબ સુરત એર ટ્રાફિક કંટ્રોલ (Surat ATC) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ગ્લોબલ સેટેલાઈટ રેસ્ક્યુ સિસ્ટમ મારફતે એક ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું હતું. આ એલર્ટ અઝરબૈજાનમાં નોંધાયેલા એક વિમાનના Emergency Locator Transmitter (ELT) દ્વારા મોકલાયું હોવાનું સામે આવ્યું છે. સેટેલાઈટ સિસ્ટમે એલર્ટનું લોકેશન દમણ નજીકના દરિયાઈ વિસ્તારનું દર્શાવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી.
એરપોર્ટ પર ઈમરજન્સી પ્લાન અમલમાં
ડિસ્ટ્રેસ એલર્ટ મળતાં જ સુરત એરપોર્ટ પર Airport Emergency Plan (AEP) અને Standard Operating Procedure (SOP) અમલમાં મૂકવામાં આવ્યા હતા. CISF, એરપોર્ટ ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ, મેડિકલ ઈમરજન્સી ટીમ, ATC સહિતની તમામ સંબંધિત એજન્સીઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડરો પણ સંપૂર્ણ તૈયારી સાથે તૈનાત કરવામાં આવ્યા હતા.
કોસ્ટ ગાર્ડ સાથે સતત સંકલન
દમણ નજીકના દરિયાઈ વિસ્તારમાં મળેલા એલર્ટને ધ્યાનમાં રાખીને કોસ્ટ ગાર્ડ અને અન્ય સંબંધિત સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંકલન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી હતી, પરંતુ કોઈ અકસ્માત અથવા ઈમરજન્સી લેન્ડિંગની પુષ્ટિ થઈ નહોતી.
વિમાનનું સ્થાન હજુ સ્પષ્ટ નથી
સુરત ATCને એલર્ટ મળ્યા બાદ દેશના વિવિધ એરપોર્ટ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે સંબંધિત વિમાન ભારતના કોઈપણ એરપોર્ટ પર લેન્ડ થયું હોવાની માહિતી મળી નથી. પ્રાથમિક અનુમાન મુજબ વિમાન પરત ફર્યું હોઈ શકે અથવા ભારતની નજીક આવેલા અન્ય દેશમાં લેન્ડ થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સત્તાવાર રીતે હજુ સુધી તેની પુષ્ટિ કરવામાં આવી નથી.
