Surat Indoor Stadium Cave In: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે જ ડાયમંડ સિટીમાંથી સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા જાણીતા ઇન્ડોર સ્ટેડિયમની બિલકુલ બહાર અચાનક એક મોટો ભુવો પડી જતાં પાલિકા તંત્રમાં ભારે દોડધામ અને ફફડાટ મચી ગયો છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ભુવો વડાપ્રધાન મોદીના આગામી જાહેર સભાના સ્થળની સાવ નજીક જ પડ્યો છે. વીઆઈપી મૂવમેન્ટ પહેલાં જ રસ્તાની આવી બદતર હાલત જોતાં સુરત મનપાના કરોડોના વિકાસના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
Surat : તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી
નક્કી થયેલા શેડ્યૂલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી જૂને સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે રૂ. 18,000 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ હજીરા ખાતે આવેલા L&T (લાર્સન એન્ડ ટુબ્રો) પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંથી સીધા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચીને એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરવાના છે. વડાપ્રધાન જેવા અતિ મહત્વના મહાનુભાવના કાર્યક્રમને લઈને જ્યાં સુરક્ષા અને રસ્તાની વ્યવસ્થા એકદમ ચુસ્ત અને પર્ફેક્ટ હોવી જોઈએ, ત્યાં જ સભા સ્થળના ગેટ પાસે રસ્તો બેસી જતાં પાલિકાની ઘોર બેદરકારી જગજાહેર થઈ ગઈ છે.
ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારે રોષ
ચોમાસાની હજુ તો સત્તાવાર શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ સામાન્ય વાતાવરણમાં પણ જો સ્ટેડિયમની બહાર આવડો મોટો ભુવો પડી જતો હોય, તો વરસાદની સીઝનમાં સુરતના રસ્તાઓની શું હાલત થશે તે વિચારીને જ સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો સુરત મનપાની હલકી ગુણવત્તાવાળી પ્રી-મોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચાર સામે આકરા પ્રહારો કરી રહ્યા છે.
રાતોરાત ભુવો પૂરવા યુદ્ધના ધોરણે કામગીરી
પીએમ મોદીના રૂટ અને કાર્યક્રમ સ્થળ નજીક જ ભુવો પડવાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, એન્જિનિયરો અને મજૂરોનો મોટો કાફલો જેસીબી (JCB) મશીનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ મોટી આંચ ન આવે અને પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વહીવટી તંત્ર દ્વારા રાતોરાત યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની અને રસ્તાના નવેસરથી સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉભા રહીને પીએમના આગમન પહેલાં રસ્તો કાચ જેવો સપાટ કરવા માટે મથામણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં રોડ પર ભુવા રાજ, અડાજણ મુખ્ય માર્ગ પર વધુ એક ભુવો પડ્યો
આ પણ વાંચો: સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર પડ્યો મસમોટો ભુવો
આ પણ વાંચો: સુરતના બગુમરા નજીક નહેર વિભાગના તંત્રની અણઆવડતના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા
