Abu Dhabi News/ અબુ ધાબી BAPS મંદિરને ટોલરન્સ એવોર્ડ 2026

Abu Dhabi News : BAPS હિન્દુ મંદિર અબુ ધાબીને ત્રીજી ‘ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ’ (IDCT 2026) માં પ્રતિષ્ઠિત ‘ટોલરન્સ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર એવી વ્યક્તિઓ અને સંસ્થાઓને અર્પણ કરવામાં આવે છે, જેમનું કાર્ય વૈશ્વિક સહિષ્ણુતા, પારસ્પરિક આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. આ પસંદગી પરિષદની સાયન્ટિફિક કમિટી […]

Top Stories World
BAPS હિન્દુ મંદિર અબુ ધાબીને ત્રીજી ‘ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ’ (IDCT 2026) માં પ્રતિષ્ઠિત 'ટોલરન્સ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યું હતું.

Abu Dhabi News : BAPS હિન્દુ મંદિર અબુ ધાબીને ત્રીજી ‘ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ’ (IDCT 2026) માં પ્રતિષ્ઠિત ‘ટોલરન્સ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર એવી વ્યક્તિઓ અને સંસ્થાઓને અર્પણ કરવામાં આવે છે, જેમનું કાર્ય વૈશ્વિક સહિષ્ણુતા, પારસ્પરિક આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. આ પસંદગી પરિષદની સાયન્ટિફિક કમિટી દ્વારા તેમની આંતરરાષ્ટ્રીય અસર અને યોગદાનના આધારે કરવામાં આવે છે.

આ પુરસ્કાર યુ. એ. ઈ. અને તેની બહાર સૌહાર્દ, સંવાદ અને સામાજિક એકતા કેળવવામાં મંદિરના અસાધારણ યોગદાનની ઊંડી સ્વીકૃતિ સમાન છે. મંદિર દ્વારા કરવામાં આવેલાં અનેક સેવાકીય આયોજનો જેવા કે – ફેસ્ટિવલ ઓફ હાર્મોની, ઓમસીય્યત તેમજ વર્તમાન સંઘર્ષમાં અને કોવિડના સમયમાં મંદિર દ્વારા હાથ ધરવામાં આવેલ ‘કેર ઈન ક્રાઈસીસ’ જેવાં રાહતકાર્યો હોય; મંદિરને પ્રાપ્ત આ એવોર્ડ હજારો સ્વયંસેવકોના સામૂહિક પ્રયાસની સાથે અસંખ્ય મુલાકાતીઓની પણ સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મંદિર એક એવું સ્થાન છે, જ્યાં દરેક પૃષ્ઠભૂમિ, સંસ્કૃતિ અને આસ્થાના લોકો સ્વાગત અને આદરનો અનુભવ કરે છે.

આ કોન્ફરન્સનું આયોજન એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ (ESCRS) અને અબ્રાહમિક ફેમિલી હાઉસ દ્વારા, એમિરેટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન, ધ ચર્ચ ઓફ જિસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેઇન્ટ્સ અને અબુ ધાબી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન બ્યૂરોના સહયોગથી કરવામાં આવ્યું હતું.

યુ. એ. ઈ. દ્વારા ૨૦૨૬ ને “યર ઓફ ધ ફેમિલી” જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ કોન્ફરન્સનો હેતુ હતો – સરકારો, શૈક્ષણિક સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો, ધાર્મિક સમુદાયો અને સિવિલ સોસાયટીના આગેવાનોને એક સહિયારા સંકલ્પ સાથે એકત્ર કરવા, વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંવાદને સુદૃઢ બનાવવો, સહઅસ્તિત્વને આગળ વધારવું, તેમજ AI તથા નવા માધ્યમો દ્વારા વૈશ્વિક સ્તરે કુટુંબો અને સમાજ પર થઈ રહેલા ઊંડા પ્રભાવને સમજવો.

“નવા માધ્યમો અને AI નો કુટુંબ અને સમાજ પર પ્રભાવ” એ વિષય પર કેન્દ્રિત આ પરિષદમાં સરકારી અધિકારીઓ, સામાજિક- શૈક્ષણિક- ધાર્મિક આગેવાનો અને વિચારકો, મીડિયા વ્યાવસાયિકો તેમજ વિશ્વભરના નિષ્ણાતો એકત્ર થયા હતા. ESCRS અને અબ્રાહમિક ફેમિલી હાઉસ દ્વારા આયોજિત, નોલેજ પાર્ટનર તરીકે મોહમ્મદ બિન ઝાયેદ યુનિવર્સિટી ફોર હ્યુમેનિટીઝ અને ડેસ્ટિનેશન પાર્ટનર તરીકે અબુ ધાબી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન બ્યૂરોના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

 ડૉ. અબ્દુલ્લા બેલ્હૈફ અલ નુઐમી, ચાન્સેલર – એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ, અને માનનીય ડૉ. ખલીફા અલ ધાહેરી, ચાન્સેલર – મોહમ્મદ બિન ઝાયેદ યુનિવર્સિટી ફોર હ્યુમેનિટીઝ, ના હસ્તે આ સન્માન સ્વીકારતાં — BAPS હિન્દુ મંદિર, અબુ ધાબીના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ કુટુંબ, આસ્થા અને ટેક્નોલોજીના ભવિષ્ય વિષે મનનીય વક્તવ્ય આપ્યું હતું. જ્યારે વિશ્વ AI શું કરી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તેમણે— આ ટેક્નોલોજીના કારણે આપણે માનવજાત તરીકે કેવા બની રહ્યા છીએ – તે વિષયક વિચારપ્રેરક અને હૃદયસ્પર્શી વાતો રજૂ કરી હતી.

વિશ્વની સભ્યતાઓ — ઇજિપ્શિયન શિલાલેખો, આફ્રિકન કહેવતો, ખ્રિસ્તી અને ઇસ્લામિક પરંપરાઓ, મેસોપોટેમિયાના કાયદા અને હિન્દુ મૂલ્યો — ના જ્ઞાનનો આધાર લઈ તેમણે જણાવ્યું કે સશક્ત સમાજ સશક્ત કુટુંબ પર આધારિત છે. ભારતીય આદર્શો — માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અથવા વસુધૈવ કુટુમ્બકમ્ હોય કે પછી અન્ય સભ્યતાઓના “એકતામાં શક્તિ” ના પાઠ હોય, બધી સંસ્કૃતિઓનો સંદેશ એકતા અને સંવાદિતા તરફ પ્રેરે છે.

BAPS સંસ્થાના પાંચમા આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ‘ઘર સભા’ ના વિશિષ્ટ સંદેશનું તેમણે સ્મરણ કર્યું હતું. ‘ઘર સભા’ એટલે એવો સમય, જ્યાં પરિવારની વ્યક્તિઓ દરરોજ વીસ મિનિટ પ્રાર્થના, વાર્તાલાપ, ચિંતન માટે એક સ્થળે ભેગી મળે. જ્યાં ખુલ્લો સંવાદ થાય, હૃદય, મન અને આત્માનું જોડાણ થાય.

ટેક્નોલોજીથી વધુ જોડાયેલ, પરંતુ ઘણી વાર એકબીજાથી દૂર થઈ ગયેલ આ જગતમાં, તેમણે ઉપસ્થિત સૌને સ્મરણ કરાવ્યું કે — અર્થપૂર્ણ સંબંધો માત્ર સંવાદ નહીં પણ સાચી ઉપસ્થિતિથી કેળવાય છે. તેમણે જણાવ્યું કે, “આપણને AI Empowered Families જોઈએ છીએ — માત્ર AI Powered Families નહીં!”

ઉપસ્થિત સૌ શ્રોતાઓએ તેમના આ વ્યક્તવ્યને વધાવી લીધું હતું. પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કોન્ફરન્સના આયોજકો પ્રત્યે મંદિરને આ સન્માન બદલ અને યુ. એ. ઈ. ના નેતૃત્વ પ્રત્યે સહઅસ્તિત્વ, સંવાદ અને માનવ-બંધુત્વના મૂલ્યોને સતત પ્રોત્સાહન આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો : અમેરિકાના સોલ્ટ લેક સિટી ખાતે BAPS સંસ્થાના સંતોની મોર્મન ખ્રિસ્તી ધર્મવડાઓ સાથે શુભેચ્છા મુલાકાત

આ પણ વાંચો :અબુધાબીમાં શ્રીરામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

આ પણ વાંચો : BAPS હિન્દુ મંદિર-અબુ ધાબીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ