Rajkot Honey Trap Gang Busted: ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે વેપારીઓ, કારખાનેદારો અને ઉદ્યોગપતિઓને પ્રેમ સંબંધોની માયાવી જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવતી એક શાતિર ‘હની ટ્રેપ’ ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેતપુર શહેર પોલીસે આ આખા નેટવર્કનો પર્દાફાશ કરીને ગેંગની મુખ્ય સૂત્રધાર પ્રિયંકા ઉર્ફે પીયુ સહિત અત્યાર સુધીમાં 11 સાગરીતોની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. પોલીસને દ્રઢ આશંકા છે કે આ ગેંગનો શિકાર બનનાર લપસી ગયેલા ધનાઢ્ય લોકોની સંખ્યા બહુ મોટી હોઈ શકે છે.
Rajkot : વેપારીઓને પ્રેમજાળમાં ફસાવતા હતા
જેતપુર પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી ખાસ કરીને આર્થિક રીતે સક્ષમ, મધ્યમ અને ઉચ્ચ વર્ગના વેપારીઓ, બિલ્ડરો અને ફેક્ટરી માલિકોને જ પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવતી હતી. આ ગેંગ છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારોની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ સક્રિય હતી અને બ્લેકમેલ કરીને મોટી રકમ પડાવતી હતી. થોડા દિવસો પહેલા જેતપુર અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે અલગ-અલગ ફરિયાદોના આધારે પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી, ત્યારે આ આખા કાવતરાના કાળા કારનામાઓ એક પછી એક સામે આવ્યા હતા.
Rajkot :ગુગલથી નંબર મેળવી કરતા કાવતરું
પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ ખૂબ જ આયોજિત અને પ્રોફેશનલ રીતે આખું નેટવર્ક ચલાવતી હતી. ગેંગના પુરુષ સભ્યો ગૂગલ સર્ચ, બજારમાં દુકાનોના સાઇનબોર્ડ અને અન્ય જાહેર માધ્યમો દ્વારા મોટી ઉંમરના ઉદ્યોગપતિઓના ફોન નંબર મેળવતા હતા. આ નંબરો જામનગરના કાલાવડની રહેવાસી અને ગેંગની મુખ્ય કડી પ્રિયંકા (પીયુ ગિનોયા) ને આપવામાં આવતા હતા. પ્રિયંકા ફોન પર વેપારીઓ સાથે મીઠી-મીઠી વાતો કરીને મિત્રતા કેળવતી અને પ્રેમની જાળમાં ફસાવી એકાંતમાં મળવા માટે આમંત્રણ આપતી હતી.
Rajkot : એન્ડ મોકા પર ગેંગના પુરુષો તૂટી પડતા
જ્યારે કોઈ વેપારી પ્રિયંકાની જાળમાં ફસાઈને મળવા માટે તૈયાર થતો, ત્યારે પ્રિયંકા પોતે જવાને બદલે ગેંગની અન્ય કોઈ આકર્ષક મહિલાને મોકલતી હતી. વેપારી નક્કી કરેલા એકાંત સ્થળે પહોંચે કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ ગેંગના 4થી 5 પુરુષ સભ્યો ત્યાં આવીને તેને ઘેરી લેતા હતા.
ત્યાં પહોંચીને ગેંગના સભ્યો વેપારીને માર મારતા અને તેના ફોટા-વીડિયો પાડી લઈ બળાત્કાર (Rape Case) જેવા ગંભીર કેસોમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. સમાજમાં પ્રતિષ્ઠા ગુમાવવાની અને હસતું-રમતું પરિવાર તેમજ વ્યવસાય બરબાદ થવાના ડરથી વેપારીઓ આસાનીથી તેમના દબાણમાં આવી જતા અને લાખો રૂપિયા ચૂકવી દેતા હતા. તપાસમાં ખૂલ્યું છે કે આ ગેંગે અગાઉ મોરબી, રાજકોટ, જેતપુર, વાંકાનેર, ટંકારા અને જૂનાગઢના ભેંસાણ વિસ્તારના અનેક વેપારીઓને શિકાર બનાવ્યા છે.
ફરિયાદીનું નામ ગુપ્ત રખાશે
ટેકનિકલ પુરાવા અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મુખ્ય આરોપી પ્રિયંકા ઉર્ફે પીયુના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે સામાજિક બદનક્ષી અને આબરૂ જવાના ડરથી ઘણા વેપારીઓ હજુ સુધી ફરિયાદ કરવા આગળ આવ્યા નથી. આથી પોલીસે જનતાને હાર્દિક અપીલ કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ગેંગનો ભોગ બન્યું હોય તો નીડર થઈને પોલીસનો સંપર્ક કરે, ફરિયાદીની ઓળખ અને નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ ભયાનક પર્દાફાશથી હાલ સમગ્ર સૌરાષ્ટ્રના વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો:હની ટ્રેપની આડમાં ISIનો મોટો ખેલ, મેડમ ‘X’ દ્વારા જાણવામાં આવતા હતા દેશના રહસ્યો!
આ પણ વાંચો:હની ટ્રેપ મામલે બે શખ્સની ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
આ પણ વાંચો:દિવમાં હની ટ્રેપ : હોટેલના હિડન કેમેરામાં વિડીયો શૂટ કરી રૂપિયા માંગતા હોવાનું ખુલ્યું
