સુરતમાં સરથાણાનાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં અંદાજે 23 નિર્દોષ વિદ્યાર્થીઓનાં જીવ ગયા છે. દિલ્હીમાં બેઠેલા PM મોદી દ્રારા પણ ઘટના પર ત્વરીત પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સુરતની ગોઝારી આગની ઘટનાનાં પડઘા ગાંધીગનરથી લઈને રાજધાની દિલ્હી સુધી પડ્યાં હોવાનું સામે આવતા સરકારી તંત્ર સફાળુ જાગ્યું હોય તેવુ લાગી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, તંત્ર દ્વારા 55 મીટરની ટર્ન ટેબલ લેડર ગાડી તાત્કાલીક મંગાવી લેવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. અંદાજે 9 કરોડનાં ખર્ચે તંત્રએ જર્મનીથી ટર્ન ટેબલ લેડર ગાડી મંગાવી હતી.

સુત્રોનાં જણાવ્યા અનુસાર સુરત કોર્પોરેશન દ્વારા ટર્નટેબલ લેડર એટલે કે ટીટીએલ તરીકે ઓળખાતા ફાયર સેફ્ટી ગાડીનો ઓર્ડર 1 વર્ષ પહેલાં આપવામાં આવ્યો હતો. 55 મીટરની ઉંચાઈ વાળી સીડી ધરાવતી આ ટ્રકમાં આગમાં ફસાયેલ લોકોને રેસ્ક્યુ કરી શકાય તેવા અનેક સાધનો છે. આ ટ્રકમાં ઉંચાઈ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકાય તેવા મોટા પાંજરા પણ હોય છે. સુરતમાં લાવવામાં આવેલી ટીટીએલને જર્મનીથી અંદાજે 9 કરોડનાં ખર્ચે ખરીદવામાં આવી છે. જો કે અહી કમનસીબી એ રહી કે આ ઓર્ડર 1 વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો અને થોડા દિવસ પહેલા જ આ ફાયર સેફ્ટી ગાડી મુંબઈ પોર્ટ પર આવી ગઇ હતી, પરંતુ સરકારી તંત્રમાં સપડાઇ ગઇ હોવાના કારણે તે હવે સુરત પહોચશે.

અહી ઘણા સવાલો સુરત ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન પર ઉભા થાય છે. જો આ ફાયર સેફ્ટી ગાડીને સમયસર સુરતમાં પહોચાડવામાં આવી હોત તો આ માસૂમ બાળકોનો જીવ બચી ગયો હોત. તંત્રની બેદરકારીને કારણે અંદાજે 23 બાળકોનો જીવ ગયો અને ઘણા ઘાયલ થયા. પોતાના બાળકોને ગુમાવ્યા બાદ માતા-પિતાનો ગુસ્સો હવે સામે આવી રહ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર બાળકોનાં માતા-પિતાએ હવે સુરતનાં મેયર જગદીશ પટેલનું રાજીનામાંની માંગણી કરી છે.
