Surat News/ સુરત શહેરમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેકટરનો મોટો નિર્ણય 65 નવી સર્વે ટીમો મેદાનમાં

સુરતમાં રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 65 નવી સર્વે ટીમોની રચના, 338 અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક જવાબદારી સોંપાઈ

Top Stories Gujarat
SURAT

Surat News: સુરત શહેરમાં થયેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં માનવ મૃત્યુ, ઇજા તેમજ રહેણાંક મકાનો અને ઘરવખરી સહિતની સ્થાવર-જંગમ મિલકતોને થયેલા નુકસાનનો ઝડપથી સર્વે પૂર્ણ કરી પાત્ર લાભાર્થીઓને કેશડોલ્સ, ઘરવખરી સહિતની રાહત સહાય સમયસર મળી રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેની કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે.

આ હેતુસર રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓ તથા તેમના સ્ટાફને જોડીને કુલ 65 નવી ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોમાં સમાવિષ્ટ 338 અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફીલ્ડમાં જઈ અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આ તમામ ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત એવા શહેરના ઉધના અને મજુરા વિસ્તારના સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ફાળવણી પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટરના અગાઉના આદેશ મુજબ 50થી વધુ ટીમોના આશરે 250 અધિકારી-કર્મચારીઓ પહેલેથી જ મેદાનમાં રહી પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પુરજોશમાં કરી રહ્યા છે. હવે નવી ટીમોના ઉમેરાથી રાહત સહાયની પ્રક્રિયામાં વધુ ઝડપ આવશે અને અસરગ્રસ્ત નાગરિકોને સમયસર સહાય પહોંચાડવાનું કામ વધુ અસરકારક બનશે.


આ પણ વાંચો : સુરત પૂર બાદ રાજ્ય સરકાર લાવશે વિશેષ રાહત પેકેજ, 3 દિવસમાં સર્વે પૂર્ણ થયા બાદ સહાયની જાહેરાત

આ પણ વાંચો : સુરત નાસીરનગર ડિમોલિશન કેસ :સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં WhatsApp ચેટ્સ રજૂ કરી કમિશનરના આદેશનો કર્યો દાવો

આ પણ વાંચો : સુરતમાં વરસાદી તબાહી: 24 કલાકમાં 10ના મોત, ત્રણ દિવસમાં મૃત્યુઆંક 19 પર પહોંચ્યો