Surat News: સુરત શહેરમાં હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટનો (Surat Plastic Waste) મુદ્દો ગંભીર બનતા મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. વિદેશમાંથી, ખાસ કરીને ચીનથી આયાત થતો પ્લાસ્ટિકનો જથ્થો બંદરો મારફતે સુરત પહોંચ્યા બાદ સ્થાનિક વેપારીઓ અને ગૃહ ઉદ્યોગો સુધી પહોંચતો હોવાની માહિતી વચ્ચે હવે સમગ્ર સપ્લાય ચેઈન પર નજર રાખવામાં આવી રહી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં પ્રવેશે તે પહેલાં જ તેને અટકાવવા માટે મનપાએ કસ્ટમ્સ વિભાગ અને પોર્ટ ઓથોરિટી સાથે સંકલન શરૂ કર્યું છે.
50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકનો મોટો જથ્થો સામે આવ્યો
શહેરમાંથી એકત્ર કરવામાં આવેલા પ્રતિબંધિત પ્લાસ્ટિક વેસ્ટમાં (Surat Hot Fix Plastic Waste) 50 માઈક્રોનથી પણ ઓછા પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ બાબત સામે આવ્યા બાદ મનપાએ માત્ર કચરો પેદા કરતા એકમો સામે કાર્યવાહી કરવાને બદલે તેના મૂળ સ્ત્રોત અને સપ્લાય નેટવર્ક સુધી પહોંચવાની દિશામાં તપાસ તેજ કરી છે.
Surat Plastic Waste: વરાછા સહિતના વિસ્તારોમાં ગૃહ ઉદ્યોગો સક્રિય
સુરતના વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા અને સીમાડા સહિતના વિસ્તારોમાં ટેક્સટાઈલ તથા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક ગૃહ ઉદ્યોગોમાં હોટ ફિક્સનું કામ થતું હોવાનું સામે આવ્યું છે. કાપડ પર વિવિધ ડિઝાઈન અને સામગ્રી ચોંટાડવાની પ્રક્રિયામાં આ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાથી તેના વેસ્ટનું પ્રમાણ પણ નોંધપાત્ર રહે છે.
ચીનથી માલ આવ્યા બાદ સ્થાનિક સ્તરે ઉપયોગ
ચીન સહિત વિદેશથી આયાત કરવામાં આવતો વિવિધ પ્રકારનો માલ પોર્ટ મારફતે સુરતના વેપારીઓ સુધી પહોંચે છે. ત્યારબાદ આ સામગ્રી સ્થાનિક ગૃહ ઉદ્યોગો સુધી પહોંચાડવામાં આવે છે. હોટ ફિક્સની પ્રક્રિયા દરમિયાન મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ પેદા થતો હોવાથી તેના સંગ્રહ અને યોગ્ય નિકાલને લઈને પર્યાવરણ સંબંધિત ચિંતા ઊભી થઈ છે.
મનપા તંત્રનું માનવું છે કે માત્ર સ્થાનિક સ્તરે પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અથવા કચરો પેદા કરનારા એકમો સામે કાર્યવાહી કરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે તેમ નથી. પ્લાસ્ટિક શહેરમાં પહોંચે તે પહેલાં જ તેની સપ્લાય ચેઈન પર નિયંત્રણ મેળવવું જરૂરી હોવાથી હવે તપાસનો વ્યાપ પોર્ટ અને આયાત પ્રક્રિયા સુધી લંબાવવામાં આવ્યો છે.
કસ્ટમ્સ અને પોર્ટ ઓથોરિટી સાથે સંકલન
પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરતમાં (Plastic Pollution) પ્રવેશે તે પહેલાં જ અટકાવવાના પ્રયાસરૂપે મનપા દ્વારા કસ્ટમ્સ વિભાગ અને પોર્ટ ઓથોરિટી સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. પોર્ટ પર આવતા માલની વિગતો, કસ્ટમ્સ ક્લિયરન્સ અને ત્યારબાદ શહેર સુધી પહોંચતા સપ્લાય નેટવર્ક અંગે માહિતી મેળવવાની દિશામાં કવાયત શરૂ કરવામાં આવી છે.
સપ્લાય ચેઈનના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ
હવે મનપાનું (Surat Municipal Corporation) ફોકસ માત્ર શહેરમાં મળી આવતા પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ પૂરતું સીમિત નથી, પરંતુ આ પ્રતિબંધિત પ્લાસ્ટિક ક્યાંથી આવે છે, કેવી રીતે સુરત પહોંચે છે અને કયા વેપારીઓ તથા એકમો સુધી પહોંચે છે તેની કડી શોધવા પર છે. તંત્રની આ કાર્યવાહી સફળ રહે તો શહેરમાં આવા પ્લાસ્ટિકનો પ્રવાહ ઘટાડવામાં મદદ મળી શકે છે.
આ પણ વાંચો: સુરતમાં AAPનો અનોખો વિરોધ! મેયરના ઘર બહાર હોટફિક્સનો કચરો ઠાલવ્યો, પાલિકાને 10 દિવસનું અલ્ટિમેટમ
આ પણ વાંચો: સુરતમાં BOIના નામે APK ફાઈલ, વેપારીના ખાતામાંથી 6.31 લાખ સાફ
આ પણ વાંચો: સુરત બ્રિજ પર બિલ્ડરની હત્યા: સોપારી આપી હત્યા કરાવી હોવાની શંકા
