Surat AQI Today: જે શહેર પોતાની આધુનિકતા અને સ્માર્ટ સિટી તરીકેની ઓળખ માટે જાણીતું છે, તે સુરત આજે પ્રદૂષણના ભરડામાં આવી ગયું છે. આજે વહેલી સવારથી સુરતમાં જાણે દિલ્હી જેવો નજારો જોવા મળ્યો હતો. બપોરે 12 વાગ્યા સુધી આખું શહેર ઝેરી ધુમ્મસ (Smog) માં ગરકાવ રહ્યું હતું, જેના કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર પડી છે.
ધોળે દિવસે હેડલાઇટ ચાલુ રાખવી પડી
સુરતમાં પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે વિઝિબિલિટી (દ્રશ્યતા) માં ભારે ઘટાડો નોંધાયો છે. તાપી નદીના તટ અને શહેરના ફ્લાયઓવર પર વાહનચાલકોને બપોર સુધી વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની નોબત આવી હતી. સામાન્ય રીતે ચોખ્ખો દેખાતો તાપીનો પટ આજે પ્રદૂષણની સફેદ ચાદર નીચે ઢંકાયેલો જોવા મળ્યો હતો.

AQI 350ને પાર: ખતરાની ઘંટડી!
સુરતની હવાની શુદ્ધતાનો ગ્રાફ ચિંતાજનક રીતે નીચે પડ્યો છે. સામાન્ય રીતે જે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 93ની આસપાસ રહેતો હતો, તે આજે સીધો ઉછળીને 350 થી 360 ની સપાટીએ પહોંચી ગયો છે. આ સ્તર ‘ખૂબ જ નબળી’ (Very Poor) શ્રેણીમાં આવે છે. જો આ જ સ્થિતિ રહી તો સુરતની હવા દિલ્હી કરતા પણ વધુ ઝેરી બની શકે છે.
ઉદ્યોગોનો ઝેરી ધુમાડો જવાબદાર?
સુરતની આસપાસ આવેલી જીઆઈડીસી (GIDC) અને ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતો કેમિકલયુક્ત ઝેરી ધુમાડો આ પ્રદૂષણ માટે મુખ્ય કારણ મનાય છે. પવનની ગતિ ઓછી હોવાને કારણે પ્રદૂષણના રજકણો હવામાં જ જમા થઈ રહ્યા છે, જે એક ‘સ્મોગ’ નું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. પર્યાવરણના નિયમોના ઉલ્લંઘન સામે તંત્રની ઢીલી નીતિ પણ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સ્વાસ્થ્ય પર ખતરો: સુરતીઓ ચિંતામાં
હવામાં વધેલા પ્રદૂષણને કારણે સુરતીઓમાં શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગળાના ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ હવા અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ડોક્ટરો દ્વારા અત્યારે કામ વગર ઘરની બહાર ન નીકળવા અને માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
જો સમયસર પ્રદૂષણ પર નિયંત્રણ નહીં મેળવાય, તો સુરતની ‘સ્માર્ટ સિટી’ની ઓળખ ભૂંસાઈને ‘પ્રદૂષિત શહેર’ બની જશે તેવો ભય સેવાઈ રહ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદની હવા ઝેર બની, રાયખડમાં AQI 308, બોપલમાં 247… શ્વાસ લેવું પણ મુશ્કેલ!
આ પણ વાંચો: અમદાવાદના વિસ્તારોમાં AQI ખતરનાક સ્તરે, યુવાનોમાં પણ COPD કેસ વધ્યા
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં ઠંડીનો તાંડવ, AQI 400 પાર, નવા વર્ષ માટે IMDની ચેતવણી
