Banaskantha News : બનાસકાંઠા જિલ્લામાં હડકવાના એક ચોંકાવનારા કેસે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. પાલનપુર તાલુકાના નરાસળ ગામમાં રહેતા એક યુવકમાં શ્વાનએ કરડ્યા બાદ ત્રણ મહિના પછી હડકવા (Rabies) ના ગંભીર લક્ષણો દેખાતા તે શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો. યુવક ચાર પગે ચાલીને લોકો પર હુમલો કરવા દોડ્યો અને લોકોને કરડવા પ્રયાસ કર્યો હતો.
પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે પરિવારજનો, ગામલોકો અને પોલીસને દોરડાની મદદથી તેને કાબૂમાં લઈને ઝાડ સાથે બાંધી દેવો પડ્યો. બાદમાં તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ યુવકે ભારે ધમાલ મચાવી હતી.
ત્રણ મહિના પહેલાં કૂતરાએ બચકાં ભર્યાં હતાં, ઈન્જેક્શન લીધું ન હતું

પ્રાથમિક માહિતી મુજબ યુવક મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ભગોરી ગામનો વતની છે અને હાલ નરાસળ ગામમાં ભાગિયા તરીકે કામ કરતો હતો. ત્રણ મહિના પહેલાં તેને એક શ્વાનએ બચકાં ભર્યાં હતાં, પરંતુ તેણે સમયસર હડકવા(Rabies) નું રસીકરણ (Anti Rabies Injection) લીધું ન હતું. ત્રણ મહિના બાદ યુવકમાં અચાનક હડકવા (Rabies)ના ગંભીર લક્ષણો જોવા મળ્યાં અને તેની હાલત ઝડપથી બગડતી ગઈ.
ઘરમાં પત્ની સહિત પરિવારજનો પર હુમલો કરવા દોડ્યો
યુવક હિંસક બની ગયો હતો. તે અચાનક પોતાની પત્ની અને પરિવારજનો પર હુમલો કરવા દોડતો હતો. ગામલોકોના જણાવ્યા પ્રમાણે તે સતત શ્વાનની જેમ ભસતો હતો અને અજીબ હરકતો કરતો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતાં પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસની મદદથી યુવકને ઝાડ સાથે દોરડાથી બાંધીને કાબૂમાં લીધો હતો.
હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ તોડફોડ, દોરડા તોડી નાખ્યા
યુવકને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક અત્યંત આક્રમક બન્યો હતો. તેને પલંગ પર બાંધી રાખવામાં આવ્યો હતો, પરંતુ યુવકે જોર લગાવી દોરડા તોડી નાખ્યા અને હોસ્પિટલમાં ધમાલ મચાવી દીધી હતી. પરિસ્થિતિ વણસતાં હોસ્પિટલ સ્ટાફે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો.
ઈન્જેક્શન આપી બેભાન કરાયો
ડોક્ટરો અને સ્ટાફે ભારે જહેમત બાદ યુવકને જાળી અને તાર વડે બાંધીને ઇન્જેક્શન આપી બેભાન કર્યો હતો. હાલ યુવકની સારવાર ચાલુ છે, પરંતુ તબીબોના જણાવ્યા અનુસાર હડકવા (Rabies) ના આ તબક્કે બચવાની શક્યતા ખૂબ ઓછી હોય છે.
ડોક્ટર સુનીલ જોશીનું નિવેદન
બનાસ મેડિકલ હોસ્પિટલના ડોક્ટર સુનીલ જોશીએ જણાવ્યું કે,
“હડકવાના લક્ષણો ધરાવતા દર્દીને ગઈકાલે રાત્રે 3 વાગ્યાની આસપાસ પાલનપુર જનરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. સાંજે ખબર પડી કે તેને હડકવાની અસર થઈ છે. તે સતત હુમલાખોર બની રહ્યો હતો.”
ડોક્ટરે વધુમાં જણાવ્યું કે,“હડકવા એકવાર લાગી જાય પછી આજ સુધી કોઈ દર્દી બચ્યો હોય એવો કિસ્સો બહુ દુર્લભ છે.”
બનાસકાંઠામાં હડકવા (Rabies)ના કેસોમાં વધારો
છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં હડકવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા મહિના પહેલાં વડગામ તાલુકાના ઘોડિયાલ ગામમાં પણ એક યુવકને હડકવાની અસર થઈ હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
હડકવા વાયરસ કેવી રીતે અસર કરે છે?
હડકવા વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીની લાળમાં રહેલો હોય છે. પ્રાણી જ્યારે માણસને કરડે છે ત્યારે વાયરસ ઘા દ્વારા શરીરમાં પ્રવેશે છે.
આ વાયરસ:
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે
મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે છે
3 થી 12 અઠવાડિયામાં લક્ષણો દેખાય છે
ક્યારેક 1 વર્ષ કે વધુ સમય પછી પણ અસર થઈ શકે છે
લક્ષણો શરૂ થયા બાદ દર્દીની સ્થિતિ ઝડપથી ખરાબ થાય છે અને અંતે મૃત્યુની શક્યતા વધી જાય છે.
હડકવાથી બચવા શું કરવું?
ડોક્ટરોનું કહેવું છે કે શ્વાન કે અન્ય પ્રાણી કરડે તો તરત ઘા સાફ કરવો. સમયસર Anti Rabies Injection લેવુ જોઈએ. ઉપરાંત સારવારમાં વિલંબ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે હડકવા જેવી ગંભીર બીમારીમાં બેદરકારી જીવલેણ બની શકે છે. શ્વાનકે અન્ય પ્રાણી કરડે તો તાત્કાલિક સારવાર અને રસીકરણ અત્યંત જરૂરી છે.
