Monsoon Update: દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાએ ફરી જોર પકડતાં ભારતીય હવામાન વિભાગ (IMD)એ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. સક્રિય ચોમાસાના પ્રવાહ અને ચક્રવાતી પરિભ્રમણની અસરને કારણે ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે.
સૌથી વધુ અસર ઉત્તરાખંડમાં જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન, નદીઓના જળસ્તરમાં વધારો અને માર્ગ વ્યવહાર ખોરવાવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા અને તાત્કાલિક કાર્યવાહી માટે તૈયાર રહેવાના નિર્દેશ આપ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરો અને અન્ય અધિકારીઓને 24 કલાક સતર્ક રહેવા, સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ નદીઓ અને નાળાઓના પાણીના સ્તરનું નિયમિત મોનીટરીંગ કરવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે કેરળ, કોંકણ-ગોવા, ઓડિશા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં દિવસભર વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં અનેક સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તેમજ આસામ, મેઘાલય અને ત્રિપુરા સહિતના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી છે.
દરિયાકાંઠાના વિસ્તારો અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે. સમુદ્રમાં ઊંચા મોજાં અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને ઊંડા દરિયામાં ન જવાની સલાહ આપી છે. સાથે જ સામાન્ય નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ગાજવીજ દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 12 ઓગસ્ટ બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે હવામાન
આ પણ વાંચો: હિમાચલમાં વરસાદનો રૌદ્ર સ્વરૂપ: 90નાં મોત, પુલો તૂટ્યા, શાળા ધરાશાયી, 109 રસ્તા બંધ
