Gujarat flood/ તાપી નદીમાં પાણી છોડાયું, ઘુઘવાટા મારતી સૂર્યપુત્રીનો અદભૂત નજારો ડ્રોનમાં કેદ થયો

ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવ્યું, આ સમયે તાપી નદીનો આકાશી નજારો અદભુત જોવા મળ્યો

Gujarat Surat

સુરતઃ રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નર્મદા, તાપી, મહિસાગરમાં ઉપરવાસનું પાણી છોડાતા નદીઓ ગાંડીતુર બની હતી. તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તાપી નદી બંને કાંઠે વહે રહી છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા ડેમ પ્રશાસન દ્વારા તાપી નદીમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવ્યું છે. જોકે, આ સમયે તાપી નદીનો આકાશી નજારો અદભુત જોવા મળ્યો છે.

ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાતા તાપી નદી તોફાની બની હતી. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવતા સુરતના વિયર કમ કોઝવે પર જળ સપાટી 10.95 મીટરે પહોંચી ગઈ.

સુરતમાં વિયર કમ કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. પરંતુ તેનાથી 4 મીટર ઉપર પાણી વહી રહ્યું છે. પરિણામે તાપી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. ડ્રોન ફૂટેજમાં જોઇ શકાય છે કે નદી કાંઠે બનેલા મંદિરો તથા ઝૂંપડા પાણીમાં ગરકાવ થયા છે.

ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં છે. તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 345.00 ફૂટ છે ત્યારે હાલનું ડેમનું લેવલ 343.36 ફૂટ પર પહોંચ્યું છે. જેમાં ઈનફ્લો 127534.00 ક્યુસેક છે. જેની સામે આઉટ ફ્લો 249861.00 ક્યુસેક ચાલી રહ્યો છે. સતત છેલ્લા 24 કલાકથી 2 લાખ ક્યુકેસથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. રૂલ લેવલ મેટઈનટેઈન કરવા માટે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.