Surat Textile Crisis Yarn Stuck At Hazira Mumbai Port: એશિયાના સૌથી મોટા ટેક્સટાઇલ હબ ગણાતા સુરતના કપડાં ઉદ્યોગ પર ફરી એકવાર કાયદાકીય અને વ્યાપારી મુશ્કેલીના કાળા વાદળો ઘેરાયા છે. સુરતના અગ્રણી વેપારીઓએ વિદેશથી મંગાવેલું ઉચ્ચ ગુણવત્તાવાળું સ્પેશિયાલિટી યાર્ન અત્યારે મુંબઈના ન્હાવા શેવા પોર્ટ અને સુરતના હજીરા પોર્ટ પર સંપૂર્ણપણે ફ્રીઝ થઈ ગયું છે. ગુજરાત હાઈકોર્ટના એક સ્ટે ઓર્ડરને પગલે કસ્ટમ્સ સત્તાવાળાઓ દ્વારા આ આયાતી કન્ટેનરોને પોર્ટ પરથી મુક્ત કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ કટોકટી વચ્ચે તકનો લાભ ઉઠાવીને સ્થાનિક ઉત્પાદકોએ માત્ર 10 જ દિવસમાં યાર્નના ભાવમાં ₹15 થી ₹20 નો તોતિંગ વધારો ઝીંકી દેતા વિવર્સ અને ટેક્સટાઈલ વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે.
Surat : 1000 કન્ટેનર અને ₹250 કરોડની મૂડી બ્લોક
પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યારે બંને પોર્ટ પર થઈને અંદાજે 1000 કન્ટેનર જેટલો જંગી જથ્થો કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અટકાવી દેવામાં આવ્યો છે. આ આખા મામલામાં ન્હાવા શેવા પોર્ટ પર 500 કન્ટેનર અને હજીરા પોર્ટ પર 500 કન્ટેનર ફસાયેલા છે. આ કન્ટેનરોની અંદર રહેલા હાઇ ક્વોલિટી યાર્નની કુલ બજાર કિંમત આશરે 250 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ યાર્ન વેપારીઓ દ્વારા ચાઇના, વિયતનામ અને ઈન્ડોનેશિયા સહિતના દેશોમાંથી આયાત કરવામાં આવ્યું છે. આટલી મોટી રકમનો માલ અટવાઈ જવાથી વેપારીઓની મૂડી સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ છે અને સમગ્ર માર્કેટમાં લિક્વિડિટીની ભારે તંગી સર્જાઈ છે.
Surat : 5 મોટા સ્પિનર્સની અરજી અને હાઈકોર્ટનો સ્ટે
આ સમગ્ર વિવાદના મૂળમાં કેન્દ્ર સરકાર દ્વારા ગત 11 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલું એક સત્તાવાર નોટિફિકેશન છે. આ નોટિફિકેશન અંતર્ગત સરકારે સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે સુરતના વેપારીઓને વિદેશથી ઉચ્ચ ગુણવત્તાવાળું સ્પેશિયાલિટી યાર્ન મંગાવવાની કાયદેસરની મંજૂરી આપી હતી. જો કે, સરકારના આ નિર્ણયથી દેશની 5 મોટી સ્પિનર્સ કંપનીઓ નારાજ થઈ હતી અને પોતાના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે આ આદેશ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી હતી. યાર્ન વેપારીઓનો આક્ષેપ છે કે આ સ્પિનર્સે પોતાની મનમાની ચલાવીને કોર્ટ સમક્ષ વિવર્સ કે ઇમ્પોર્ટર્સનો પક્ષ રજૂ ન થાય તે રીતે એકતરફી સ્ટે ઓર્ડર મેળવી લીધો છે, જેના કારણે કસ્ટમ્સે માલ સીઝ કર્યો છે.

Surat : વેપારીઓ પર બેવડો માર: કરોડોનું ચૂકવવું પડશે ડેમરેજ
સૌથી મોટી વિડંબના એ છે કે હાઇકોર્ટનો આ આદેશ આવ્યો તે પહેલાં જ સુરતના વેપારીઓએ મહિનાઓ અગાઉથી વિદેશી કંપનીઓને યાર્નના ઓર્ડર આપી દીધા હતા. આ ઓર્ડર્સ પેટે કરોડો રૂપિયાના એડવાન્સ પેમેન્ટ અને લેટર ઓફ ક્રેડિટ (LC) પણ બેંકો મારફતે ચૂકવી દેવામાં આવ્યા હતા. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને માલ વિદેશથી શિપ થઈ ચૂક્યો હતો અને હવે તે ભારતીય બંદરો પર આવી ગયો છે. પોર્ટ પર માલ અટવાઈ જવાથી આયાતકારો અને વિવર્સ પર બેવડો આર્થિક માર પડી રહ્યો છે, કારણ કે વિલંબના કારણે વેપારીઓએ શિપિંગ લાઇન અને પોર્ટ ઓથોરિટીને રોજિંદા ધોરણે લાખો રૂપિયાનું ડેમરેજ (વિલંબ શુલ્ક) અને ડિટેન્શન ચાર્જીસ ચૂકવવું પડી રહ્યું છે.
Surat : દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને રજૂઆત
સ્થિતિ વધુ વણસતા સુરતના યાર્ન ઉદ્યોગના 15 થી વધુ અગ્રણી વેપારીઓનું એક ઉચ્ચ પ્રતિનિધિમંડળ એકત્રિત થઈને ‘ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (SGCCI) ની કચેરીએ પહોંચ્યું હતું. આ વેપારીઓએ ચેમ્બરના હોદ્ડેદારો સમક્ષ લેખિત રજૂઆત કરીને આક્રોશ ઠાલવ્યો હતો કે જો આ ૧,0૦૦ કન્ટેનર વહેલી તકે મુક્ત કરવામાં નહીં આવે, તો સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ થઈ જશે અને કારખાના બંધ થતાં હજારો મજૂરો બેરોજગાર થઈ જશે.
યાર્ન વેપારીઓની આ ગંભીર લડતને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાલાએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે વેપારીઓને આશ્વાસન આપતા જણાવ્યું કે, ચેમ્બર આ મુદ્દે સરકારમાં મધ્યસ્થતા કરશે અને રજૂઆત કરવામાં આવશે કે જે ઓર્ડર સ્ટે ઓર્ડર આવ્યા પહેલાના છે, તેને માનવીય અભિગમ અપનાવીને પોર્ટ પરથી તુરંત મુક્ત કરવામાં આવે.
આ પણ વાંચો: સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ₹3.06 કરોડની છેતરપિંડીનો મામલો, 34 વેપારીઓ ફસાયા
આ પણ વાંચો: સુરત ટેક્સટાઈલ માર્કેટમાં આગ મુદ્દે કુમાર કાનાણીએ સરકારને કરી અપીલ
આ પણ વાંચો: સુરતમાં કોલસાની અછતને પગલે ટેક્સટાઈલ મિલો અઠવાડિયામાં 2 દિવસ રહેશે બંધ
