Surendranagar Diesel Shortage: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઈંધણની તંગીને લઈને સામાન્ય જનતા અને ખાસ કરીને જગતનો તાત (ખેડૂતો) ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે ભારે અછત જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. ડીઝલ મેળવવા માટે વહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર વાહનચાલકો અને ખેડૂતોની લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ અને તંત્ર સામે રોષ વ્યાપી ગયો છે.

Diesel નો જથ્થો આવતા જ પડાપડી
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકના અનેક પેટ્રોલ પંપો પર છેલ્લા બે-ત્રણ દિવસથી ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અસંખ્ય પંપો પર ‘ડીઝલ નથી’ ના બોર્ડ મારી દેવામાં આવ્યા છે જેને કારણે વાહનચાલકો અટવાયા છે. જે પંપો પર થોડો ઘણો પણ જથ્થો આવે છે, ત્યાં મિનિટોમાં જ વાત વાયુવેગે પ્રસરતા લોકો પોતાના વાહનો અને પ્લાસ્ટિકના કેરબા (કેન) લઈને દોડી આવે છે. ડીઝલ આવતાની સાથે જ પંપ પર પડાપડીના દ્રશ્યો સર્જાય છે અને વાહનોની કિલોમીટર લાંબી કતારો મુખ્ય રસ્તાઓ સુધી લંબાઈ જાય છે.
ખેતીકામ ખોરંભે પડતાં જગતનો તાત ચિંતિત
વર્તમાન સમયમાં ખેતીકામ માટે ટ્રેક્ટર અને અન્ય આધુનિક કૃષિ સાધનો ચલાવવા માટે ડીઝલ અત્યંત અનિવાર્ય ઈંધણ છે. ખેડૂતો વહેલી સવારથી પોતાના ટ્રેક્ટરો લઈને અથવા હાથમાં કેરબાઓ પકડીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. કલાકોની પ્રતીક્ષા બાદ પણ પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે અને ખેતીના મહત્વના કામો અટકી પડ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સમયસર ડીઝલનો પુરવઠો સામાન્ય નહીં થાય તો ઉનાળુ પાકને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે.
પુરવઠો પૂર્વવત કરવા ઉગ્ર માંગ
આ કટોકટીના કારણે માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ લાંબા અંતરના ટ્રાન્સપોર્ટ વાહનો, ટ્રક ચાલકો અને સામાન્ય મુસાફરો પણ હેરાન-પરેશાન થઈ ગયા છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે, ઓઈલ કંપનીઓ દ્વારા જ પાછળથી સપ્લાય ઓછો આપવામાં આવી રહ્યો છે, જેને કારણે આ કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયેલી આ ગંભીર પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર તાત્કાલિક મધ્યસ્થી કરે અને પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપો પર પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.
આ પણ વાંચો:પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ વચ્ચે ઓઇલ કંપનીઓનો ધૂમ નફો, ત્રણ કંપનીઓએ તોડ્યા તમામ રેકોર્ડ
આ પણ વાંચો:દ્વારકામાં ડીઝલની અછતથી ખેડૂતો પર સંકટ
આ પણ વાંચો:સામાન્ય જનતાને વધુ એક ફટકો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક અઠવાડિયામાં બીજી વખત વધારો
