Dwarka News : દ્વારકા જિલ્લામાં ચોમાસા પૂર્વેના ખેતીકામ દરમિયાન ડીઝલની અછત (Diesel Shortage) સર્જાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ખંભાળિયા, કલ્યાણપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.
ખંભાળિયા-પોરબંદર હાઇવે પર આવેલા પેટ્રોલ પંપો પર ટ્રેક્ટર અને અન્ય વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક ખેડૂતો મોડી રાત સુધી ડીઝલ માટે રાહ જોતા જોવા મળ્યા હતા. પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં ચિંતા વધી રહી છે કે ચોમાસા પહેલાનું ખેતીકામ વિલંબિત થઈ શકે છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલનો પુરવઠો નિયમિત રીતે મળતો નથી. બીજી તરફ ચૂંટણી પૂર્ણ થયા બાદ ડીઝલના ભાવમાં વધારો થશે તેવી અફવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો એકસાથે વધુ પ્રમાણમાં ડીઝલ ભરાવવા દોડી આવ્યા છે. જેના કારણે અનેક પેટ્રોલ પંપો પર અચાનક ભારે ભીડ ઊભી થઈ છે.
ડીઝલની અછત (Diesel Shortage)ને કારણે ટ્રેક્ટર, ખેતીના સાધનો અને પાણીના એન્જિન ચલાવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં થાય તો વાવણી પૂર્વેની તૈયારીઓ પર સીધી અસર પડી શકે છે.
સ્થાનિક તંત્ર અને પેટ્રોલ પંપ સંચાલકો લોકોમાં અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી રહ્યા છે. સાથે જ પૂરતો પુરવઠો જલ્દી સામાન્ય થશે તેવી ખાતરી પણ આપવામાં આવી રહી છે.
