Kissing Health Risks: પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની સૌથી સુંદર અને રોમેન્ટિક રીત એટલે કિસ (Kiss) છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ રોમેન્ટિક પળ તમારા પાર્ટનરના સ્વાસ્થ્ય માટે મોટી આફત બની શકે છે? વર્ષ 2026 ના એક લેટેસ્ટ હેલ્થ રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે કિસ કરતી વખતે લાળ (Saliva) દ્વારા કેટલાક એવા તત્વો ટ્રાન્સફર થાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જોકે, આનાથી બચવાનો ઉપાય ખૂબ જ સરળ છે, જે છે માત્ર અડધો ગ્લાસ પાણી.
Kiss કરવાથી સીલિયાક રોગ અને ગ્લુટેનનું જોખમ
કોલંબિયા યુનિવર્સિટીના એક તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને સીલિયાક ડિસીઝ (Celiac Disease) એટલે કે ગ્લુટેનની એલર્જી હોય, તો તેના માટે ગ્લુટેન ઝેર સમાન કામ કરે છે. રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે જો કોઈ પાર્ટનરે ઘઉં, જવ કે રાઈમાંથી બનેલી વસ્તુ (જેમાં ગ્લુટેન હોય છે) ખાધી હોય અને ત્યારબાદ તે પાર્ટનરને કિસ કરે, તો લાળ દ્વારા ગ્લુટેન બીજા પાર્ટનરમાં ટ્રાન્સફર થઈ શકે છે.
રાહતની વાત એ છે કે, જો કિસ કરતા પહેલા પાર્ટનર માત્ર અડધો ગ્લાસ પાણી પી લે, તો ગ્લુટેન ટ્રાન્સફર થવાનું જોખમ લગભગ શૂન્ય થઈ જાય છે. પાણી મોઢામાં રહેલા ગ્લુટેનના કણોને સરળતાથી સાફ કરી નાખે છે.
‘કિસિંગ ડિસીઝ‘ અને નર્વસ સિસ્ટમ પર મોટો ખતરો
બીજી તરફ, અમેરિકાની પ્રખ્યાત માયો ક્લિનિકના રિસર્ચમાં એપસ્ટિન-બાર વાયરસ (Epstein-Barr Virus – EBV) વિશે ગંભીર ચેતવણી આપવામાં આવી છે, જેને સામાન્ય ભાષામાં ‘કિસિંગ ડિસીઝ’ (Kissing Disease) કહેવામાં આવે છે. આ વાયરસ લાળ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે અને તેના કારણે તીવ્ર તાવ, ભારે થાક અને ગળામાં સોજા જેવી સમસ્યાઓ થાય છે.
સૌથી ગંભીર વાત એ છે કે જે લોકોને આ વાયરસનો ચેપ લાગે છે, તેમને ભવિષ્યમાં મલ્ટિપલ સ્ક્લેરોસિસ (Multiple Sclerosis) જેવી નર્વસ સિસ્ટમની ગંભીર બીમારી થવાનું જોખમ વધી જાય છે. આ એવી ઓટોઇમ્યુન સ્થિતિ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જ પોતાના ચેતાતંત્રને નુકસાન પહોંચાડવા લાગે છે.
સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવા નિષ્ણાતોની 2 સરળ સલાહ
રોમાન્સ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે તે માટે હેલ્થ એક્સપર્ટ્સ બે સરળ બાબતો ધ્યાનમાં રાખવાની સલાહ આપે છે:
જો તમારા પાર્ટનરને ગ્લુટેનથી એલર્જી કે સીલિયાક રોગ હોય, તો કંઈપણ ખાધા પછી કિસ(Kiss) કરતા પહેલા હંમેશા અડધો ગ્લાસ પાણી પીવાની અથવા કોગળા કરવાની આદત પાડો.
જો બંનેમાંથી કોઈ પણ એક પાર્ટનરને વાયરલ ઇન્ફેક્શન, શરદી-ઉધરસ, તાવ કે ગળામાં દુખાવો હોય, તો તે સમયગાળા દરમિયાન કિસ(Kiss) કરવાનું સખત ટાળવું જોઈએ.
સ્વાસ્થ્ય પ્રત્યેની આ નાની અમસ્તી જાગૃતિ તમારા રોમેન્ટિક જીવનને સુરક્ષિત અને હેલ્ધી રાખી શકે છે.



