Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી મામલે 42 લોકોની અટકાયત થયા બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા (Rtvik Makwana)એ ખાણ-ખનીજ વિભાગની કામગીરી અને સરકારની નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નાના ટ્રેક્ટર ચાલકો, ટ્રક ડ્રાઇવરો અને મજૂર વર્ગને થતી મુશ્કેલીઓ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
ઋત્વિક મકવાણા (Rtvik Makwana)એ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ઉનાળાની ભારે ગરમીમાં દિવસભર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો સરકારની કાર્યવાહીના ભોગ બની રહ્યા છે. તેમના કહેવા મુજબ, ટ્રેક્ટર ચલાવતા, ટ્રક હંકારીને રોજીરોટી કમાતા કે કૂવા ગાળતા નાના લોકો પર ‘ભૂ-માફિયા’ અથવા ‘ખનીજ માફિયા’ જેવા ગંભીર ટેગ લગાવી દબાણ કરવામાં આવે છે.

“ગરીબોને માર્ગદર્શન આપવાની જરૂર”: Rtvik Makwana
પૂર્વ ધારાસભ્યએ સરકાર અને વહીવટી તંત્રને રચનાત્મક સૂચન પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે નાના વાહનચાલકો અને મજૂરોમાં ઘણા એવા લોકો છે, જેઓ સરકારી નિયમો અને પ્રક્રિયાઓ સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. પરિવારની જવાબદારીઓ અને આર્થિક સંકટ વચ્ચે તેઓ નાની-મોટી ગેરરીતિ તરફ વળે છે.મકવાણાના મત અનુસાર, આવા લોકોને સીધા ગુનેગાર અથવા માફિયા ગણાવી દંડિત કરવાની જગ્યાએ તેમને યોગ્ય માર્ગદર્શન, સરળ કાનૂની પ્રક્રિયા અને કાયદેસર રોજગાર માટે પ્રોત્સાહન આપવાની જરૂર છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
ઋત્વિક મકવાણાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અનેક લોકોએ તેમની વાતને સમર્થન આપતા લખ્યું છે કે મોટા પાયે ગેરકાયદેસર ખનન કરનારા તત્વો સામે ઘણી વખત કડક કાર્યવાહી થતી નથી, જ્યારે રોજ કમાઈને જીવન ગુજારતા નાના લોકો દંડ અને કાયદાકીય કાર્યવાહીનો ભોગ બને છે.આ સમગ્ર મામલે સ્થાનિક સ્તરે પણ ચર્ચા તેજ બની છે. લોકો સરકાર પાસેથી પારદર્શક અને સમાન નીતિની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓને મદદ કરતું નેટવર્ક ઝડપાયું, 40થી વધુ શખ્સો પોલીસ કસ્ટડીમાં
આ પણ વાંચો:સુરેન્દ્રનગરના સાયલામાંથી ગેરકાયદે કાર્બોસેલ ઝડપાયું
આ પણ વાંચો:ગેરકાયદે ખનીજ ચોરી પર તંત્રનો સપાટો, 3.20 કરોડનો મુદ્દા માલ કરાયો જપ્ત
