Surendranagar News: પશ્ચિમ રેલવે દ્વારા સુરેન્દ્રનગર(Surendranagar) રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા વધારવા માટે મહત્ત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રેનોની અવરજવર સરળ બનાવવા ક્રોસઓવર ટ્રેક લેઆઉટમાં સુધારો કરાયો છે. જૂના ટર્નઆઉટના સ્થાને 1 ઈન 8.5 ટર્નઆઉટ સ્થાપિત કરાયો છે, જેમાં આધુનિક TWS ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. આનાથી ટ્રેક બદલતી વખતે લાગતા આંચકા ઘટશે અને રેલ પરિચાલન વધુ સુરક્ષિત બનશે.
Surendranagar :પોઈન્ટ નંબર 111/112 પર નવો ટર્નઆઉટ
સ્ટેશનના પોઈન્ટ નંબર 111/112 પર જૂના ટર્નઆઉટને બદલીને સુધારેલી ટ્રેક ભૂમિતિ (જ્યોમેટ્રી) મુજબ નવો ટર્નઆઉટ સ્થાપિત કરાયો છે. આ ફેરફારથી સુરેન્દ્રનગર સ્ટેશન પરથી પસાર થતી તમામ ટ્રેનોના મુસાફરોને ટ્રેક બદલતી વખતે લાગતા આંચકાઓમાંથી રાહત મળશે.
ટ્રેકના વળાંકને સરળ બનાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
રાજકોટ ડિવિઝન (Rajkot Division)ના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે આપેલી માહિતી મુજબ, આ પ્રોજેક્ટ હેઠળ હાલના 1 ઈન 12 ટર્નઆઉટના સ્થાને 1 ઈન 8.5 ટર્નઆઉટ સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમાં આધુનિક ટીડબલ્યુએસ ટેકનોલોજી(TWS Technology)નો ઉપયોગ કરાયો છે. કામગીરી દરમિયાન પોઈન્ટ નંબર 111ને તેની મૂળ સ્થિતિમાં યથાવત રાખીને ક્રોસઓવરના ટ્રેકને જરૂરિયાત મુજબ શિફ્ટ અને એડજસ્ટ કરવામાં આવ્યા છે, જેથી ટ્રેકનો વળાંક (કર્વેચર) વધુ સરળ બની શકે.
સ્લીપરો, OHE માસ્ટ અને સિગ્નલ કેબલનું પણ પુનઃસ્થાપન
ટ્રેકની મજબૂતાઈ અને સ્થિરતા વધારવા માટે જૂના પોઈન્ટ્સ, ક્રોસિંગ સ્લીપરો અને તેની સાથે જોડાયેલા સામાન્ય સ્લીપરોને હટાવીને નવા સ્લીપરો નાખવામાં આવ્યા છે. નવા ટ્રેક અલાઈનમેન્ટ મુજબ ઓવરહેડ ઈક્વિપમેન્ટ (OHE)ના 4 માસ્ટ અને 1 પોર્ટલને પણ શિફ્ટ કરાયા છે. આ ઉપરાંત, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગે હાલના લોકેશન બોક્સને ખસેડીને સંબંધિત કેબલોનું ડાયવર્ઝન અને પુનઃસ્થાપન કર્યું છે.
મુસાફરો અને રેલવેને ફાયદો
એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ તથા સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંકલનથી આ કામગીરી નિર્ધારિત ટેકનિકલ ધોરણો મુજબ પૂર્ણ કરાઈ છે. સારી ટ્રેક ભૂમિતિ અને સરળ વળાંકને કારણે ક્રોસઓવર પરથી ટ્રેન પસાર થતી વખતે લાગતા આંચકા અને બિનજરૂરી પાર્શ્વ બળો (લેટરલ ફોર્સિસ) ઘટશે. પરિણામે ટ્રેક અને ટ્રેનના ડબ્બા (રોલિંગ સ્ટોક) પર પડતું વધારાનું દબાણ ઓછું થશે.
સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા: DRM
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)એ જણાવ્યું કે, રેલવેમાં સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આધુનિક ટેકનોલોજી અને બહેતર ટ્રેક ભૂમિતિના માધ્યમથી રેલ પરિચાલનને વધુ સુરક્ષિત અને સરળ બનાવી શકાય છે. રાજકોટ ડિવિઝન(Rajkot Division)માં પરિચાલન વિશ્વસનીયતા વધારવા માટે માળખાગત સુવિધાઓના અપગ્રેડેશન પર સતત વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: વડનગરથી અંબાજી સુધી રેલવે કનેક્ટિવિટીનું સપનું સાકાર થવાની દિશામાં
આ પણ વાંચો: ભારત બનાવશે દુનિયાનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન, બિલાસપુરથી લેહ સુધી 489 કિમીની રેલવે લાઈન
આ પણ વાંચો: રાજસ્થાનમાં રેલવે ટ્રેક પર જોરદાર ધડાકો! ટ્રેન પસાર થયાની થોડી જ મિનિટોમાં બ્લાસ્ટ, મોટા ષડયંત્રની આશંકા
