Tapi News: તાપી જિલ્લાના છેવાડે આવેલા નિઝર તાલુકાના નિઝર મોડલ સ્કૂલ ખાતે ધોરણ 11 મા અભ્યાસ કરતી સગીરાનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામી છે, ઘટના બાળા પરિવારના માથે આભ તૂટ્યું પડ્યું છે. આ સમગ્ર ઘટનામાં ગૃહોમાતા પાસેથી મળતી માહિતી મુજબ આ દીકરીએ બપોરનું જમ્યા બાદ આશરે ત્રણ વાગ્યાના અરસામાં તેને અચાનક વોમિટ થવા લાગી હતી અને ચક્કર આવવા લાગ્યા હતા, ત્યારબાદ તાત્કાલિક ધોરણે તેમણે 108 બોલાવીને આ સગીરાને પ્રથમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આ સગીરાની તબિયત સિરિયસ છે એટલે વધુ સારવાર માટે આગળ લઈ જાઓ એમ જણાવતા એને તાત્કાલિક ધોરણે નજીકમાં આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી અને પોસ્ટમોર્ટમ કરવા માટે તેના મૃતદેહને ત્યાં રાખવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનામાં સગીરાના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો છતાં હજી સુધી આ દુઃખદ ઘડીમાં તેઓ કોઈ પ્રકારનો જવાબ આપી શક્યા ન હતા. અત્રે એ પણ નોંધવું રહ્યું કે આ સગીરા મોડેલ સ્કૂલની બાજુમાં આવેલા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ખેડૂત અને ગરીબ પરિવારની આશાસ્પદ દીકરીનું આ રીતે અચાનક મોત થતાં પરિવારના માથે તો જાણે આભ તૂટી પડ્યું હતું.
મળતી માહિતી મુજબ મૃતક વિદ્યાર્થીની નિઝર તાલુકાના ગુજ્જરપુર ગામની હોવાનુ જાણવા મળ્યું છે. આ ગરીબ પરિવારને એક આશા હતી કે દીકરી ભણી ગણીને આગળ વધશે અને પરિવારની આર્થિક સ્થિતિ પણ સુધરશે અને પરિવારનું નામ થશે.
સમગ્ર ઘટનામાં સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે એવી તો શું ઘટનાઓ થઈ કે આવી તાત્કાલિક દીકરીની તબિયત લથડી પડી?? જો જમવામાં કોઈ ખામી હતી તો આ એકમાત્ર છોકરી સાથે જ કેમ આવું થયું?? શું દીકરીને સમયસર સારવાર માટે લઈ જવામાં આવી હતી કે કેમ??આ સમગ્ર ઘટનામાં શાળાના આચાર્ય અને ગૃહમાતાની ભૂમિકા શું રહી હતી તે પણ તપાસનો વિષય છે??
રિપોર્ટ આવ્યા બાદ અને પરિવારજનો સાથે કોઈક સંપર્ક થાય તો આ સમગ્ર ઘટનામાં પરિવાર શું વિચારી રહ્યું છે અને મેડિકલ રિપોર્ટ શું કહી રહી છે એ સ્પષ્ટ થશે તો જ આ વિદ્યાર્થીનીનું શાળામાં ભણતા દરમિયાન થયેલ મૃત્યુનું સાચું કારણ જાણી શકાય એમ છે.
@બિન્દેશ્વરી શાહ તાપી
આ પણ વાંચો:તાપી જિલ્લામાં વૃદ્ધા ખુલ્લા બોરવેલમાં ખાબક્યા
આ પણ વાંચો:સુરતમાં તાપી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો:તાપીના સોનગઢમાં પંચાયતના મહિલા સભ્ય પર હુમલાથી ચકચાર