Surat News : રાજ્યમાં SIRની કામગીરી ચાલી રહી છે. બીજીતરફ BLOની કામગીરી કરતા શિક્ષકોના મોતની ઘટનાઓ દિવસે દિવસે સામે આવી રહી છે. જેમાં સુરત મહાનગરપાલિકામાં કામ કરતી એક મહિલા BLO મહિલાનું મોત થયું છે. મહિલાના મોતને પગલે હોસ્પિટલ સંકુલમાં પરિવારના રૂદનથી શોકમય વાતાવરણ બન્યું હતું. દરમિયાન અમદાવાદમાં ગોમતીપુર ખાતે BLO તરીકે ફરજ બજાવતી મહિલાની તબિયત અચાનક લથડી હતી. જેને પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મહિલા BLO સુરતના મનપામાં કરતી હતી. ડિન્કલ શીંગોડાવાળા નામની આ મહિલા વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટંટ તરીકે કામ કરતી હતી. દરમિયાન આ મહિલા તેમના ઓલપાડના માસમા ગામના ઘરમાં બેભાન હાલતમાં મળી આવી હતી. સારવાર અર્થે પરિવારજનો મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ફરજ પરના ડોક્ટરે મહિલાને તપાસીને તેને મૃત ઘોષિત કરી હતી.અચાનક બનેલી આ ઘટનાથી પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. મહ્લાનું મોત આકસ્મિક છે કે કામના ભારણને કારણે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના દાણીલીમડા વિધાનસભા વિસ્તારમાં ગોમતીપુર વોર્ડમાં આવેલી ગોમતીપુર ઉર્દુ શાળા નંબર બેમાં BLO તરીકે ફરજ બજાવનાર મહિલા સાયમા મલેક આમના આજે SIR અંતર્ગત કામગીરી માટે વિસ્તારમાં ગયા હતા. દરમિયાન અચાનક જ બપોરના સમયે તેમની તબિયત લથડી હતી. જેને પગલે સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
1500 જેટલા ફોર્મ ભરવા માટે આપવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહિલા શિક્ષિકા વટવા વિસ્તારના રહેવાસી છે. સવારથી સાંજ સુધી BLO તરીકે વિસ્તારમાં ફોર્મ વિતરણ અને ભેગા કરવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે આ તેઓની તબિયત ખરાબ થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવતા તેઓ પહોંચ્યા છે.

