Entertainment News: ધર્મેન્દ્ર (Dharmendra), કલાજગતના આ દિગ્ગજ અભિનેતાનું હાલમાં જ નિધન (Death) થઇ ચૂક્યું છે. સમાચાર માધ્યમોના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે હયાત નથી! ધર્મેન્દ્રની વિદાયથી બોલીવુડમાં એવી ખોટ પડી છે કે જેની કદાચ કદીયે ભરપાઇ કરી નહિં શકાય! 89 વર્ષીય આ દમદાર એક્ટર (Actor)ની વિદાયથી બોલીવુડનો એક યુગ સમાપ્ત થઇ ગયો છે. સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધેરા શોકમાં મગ્ન છે પરંતુ આ ફિલ્મી પરિવારથી પણ વધારે દુ:ખ તો એમના પરિવારને પહોંચ્યું છે. કારણ કે, ધર્મેન્દ્ર એક પરફેક્ટ ‘ફેમિલી મેન’ (Family Man) હતા. તેઓ પોતાના પરિવારની અત્યંત નજીક હતા. તો આ શોકસંતપ્ત પરિવારમાં કોણ-કોણ સામેલ છે એ વિશે જાણીએ…

બોલીવુડના ‘હી મેન’ ના પ્રકાશ કૌર સાથે એરેન્જ મેરેજ
બોલીવુડ (Bollywood)માં કેરિયર બનાવતા આગાઉ જ, ધર્મેન્દ્રે વર્ષ 1954માં પ્રકાશ કૌર (Prakash Kaur) સાથે લગ્ન કરી લીધાં હતા. આ લગ્ન એક એરેન્જ મેરેજ (Arrange Marriage) હતા જેના પરિણામરુપે ધર્મેન્દ્રના ચાર બાળકો છે, બે દીકરા અને બે દીકરીઓ જેમના નામ સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજીતા દેઓલ (Sunny, Bobby, Vijeta Deol, Ajita Deol) છે. આ ચાર સંતાનો પૈકી બંને દીકરા બોલીવુડ તથા અન્ય માધ્યમોમાં એક્ટિંગ ક્ષેત્રે સક્રિય છે જ્યારે બંને દીકરીઓ બોલીવુડના ઝળહળાટથી દૂર છે.

સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજીતા દેઓલ
‘હી મેન’ (He Man of Bollywood) તરીકે ઓળખાતા ધર્મેન્દ્રનો અભિનય વારસો બાખૂબી આગળ વધારનાર સની દેઓલ કે જેમનું અસલી નામ અજયસિંહ દેઓલ છે તેમનું નામ તો બોલીવુડ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અભિનેતાઓમાં પ્રથમ પંક્તિમાં સામેલ છે. સની દેઓલે પોતાની ફિલ્મી કેરિયરમાં ‘ઘાયલ’, ‘બોર્ડર’, ‘ગદર’ (Ghayal, Border, Gadar) જેવી સુપરહીટ અને ક્લાસિક મૂવીઝ (Movies)માં કામ કરેલું છે. સનીની પત્નીનું નામ પૂજા દેઓલ છે. આ યુગલના બે પુત્રો છે, અર્થાત્ ધર્મેન્દ્રના આ બંને પૌત્રોના નામ છે, કરણ દેઓલ અને રાજવીર દેઓલ…

બોબી દેઓલ ધર્મેન્દ્રના નાનો દીકરો છે. વર્ષ 1996માં એના લગ્ન તાન્યા આહૂજા સાથે થયા હતા.

આ યુગલના પણ બે દીકરા છે, આર્યમાન દેઓલ અને ધરમ દેઓલ…આ બંને સોશિયલ મીડિયા પર સક્રિયપણે છવાયેલા રહે છે!

ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની પુત્રી અજીતા દેઓલ લાઇમલાઇટથી દૂર રહે છે. એ અમેરિકામાં સ્થાયી છે અને સાઇકોલૉજીની શિક્ષિકા છે. એના લગ્ન ભારતીય ડેન્ટિસ્ટ કિરણ ચૌધરીની સાથે થયેલા છે. આ યુગલની પણ બે પુત્રીઓ છે, નિકિતા અને પ્રિયંકા…

ધર્મેન્દ્રની બીજી દીકરી વિજેતા દેઓલ પોતાના પિતા ધર્મેન્દ્રના બિઝનેસ સાથે સંકળાયેલી છે. ધર્મેન્દ્રે પોતાના પ્રોડક્શન હાઉસનું નામ પણ એમની લાડકી દીકરીના નામ પર રાખેલું છે, ‘વિજેતા પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ’…વિજેતાના લગ્ન વિવેક ગિલની સાથે થયા હતા અને આ કપલને બે સંતાન છે, પુત્ર સાહિલ અને પુત્રી પ્રેરણા…

સુંદર અભિનેત્રી હેમા માલિની સાથે બીજા લગ્ન
ફિલ્મ ‘તુમ હસીન મૈં જવાન’ ના સેટ પર જ્યારે પરિણીત ધર્મેન્દ્રની મુલાકાત સુંદર અભિનેત્રી હેમા માલિની (Hema Malini) સાથે થઇ ત્યારે એમને એ જ સમયે હેમા સાથે પ્રેમ થઇ ગયો હતો! સમય જતાં આ પ્રેમ પાંગર્યો અને વર્ષ 1980માં ધર્મેન્દ્ર અને હેમાએ લગ્ન કરી લીધા હતા! ધર્મેન્દ્રના આ બીજા લગ્નથી બે પુત્રીઓ અવતરી હતી, જેમના નામ છે ઈશા દેઓલ અને આહના દેઓલ…

ઈશા દેઓલ અને આહના દેઓલ
ધર્મેન્દ્ર અને હેમાની મોટી પુત્રી ઈશા દેઓલ (Esha Deol) પણ એક અભિનેત્રી છે. વર્ષ 2002માં ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પૂછે’ થી બોલીવુડમાં પગરણ માંડનારી ઈશાએ પોતાની ફિલ્મી કેરિયરમાં ‘ધૂમ’ અને ‘નો એન્ટ્રી’ (Dhoom, No Entry) જેવી સુપરહીટ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. ઈશાએ વર્ષ 2012માં ભરત તખ્તાની સાથે લગ્ન કરી લીધા હતી અને આ યુગલને બે પુત્રીઓ પણ છે. પરંતુ, વર્ષ 2024માં ઈશાએ પતિ ભરત સાથે છૂટાછેડા લઇ લીધા હતા.

આહના દેઓલ (Ahana Deol) ધર્મેન્દ્રની સૌથી નાની દીકરી છે અને એના લગ્ન વર્ષ 2014માં દિલ્હી સ્થિત બિઝનેસમેન વૈભવ વોરા સાથે થયા હતા. આ યુગલ ત્રણ સંતાનોના માતા-પિતા બન્યા હતા. એક પુત્ર અને બે જોડકી દીકરીઓ! આ પૈકી પુત્રનું નામ ડેરિયન છે અને ટિ્વન્સ પુત્રીઓના નામ છે અસ્ત્રયા અને આદિયા…

ભત્રીજો અભય દેઓલ
અજીત સિંહ દેઓલ ધર્મેન્દ્રના કઝીન ભાઇ હતા. તેઓ એક્ટર હોવાની સાથોસાથ રાઇટર અને પ્રોડ્યુસર પણ હતા. વર્ષ 2015માં એમનું નિધન થયું હતું. અજીત સિંહના 3 સંતાનો છે, અભય દેઓલ, વીરતા અને ઋતુ સિંહ…અભય દેઓલ (Abhay Deol) એક નોખી ઢબના પ્રતિભાશાળી એક્ટર છે પરંતુ, તેમને પિતરાઈ ભાઈઓ સની તથા બોબી જેટલી ખ્યાતિ નથી મળી. તો આ હતો સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રનો આખો પરિવાર…જે હાલમાં આ દિગ્ગજ અભિનેતાના નિધનથી શોકસંતપ્ત છે!
આ પણ વાંચો: ધર્મેન્દ્રએ 89 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ, સ્મશાન પહોંચ્યા સેલિબ્રિટી…..
આ પણ વાંચો: 89 વર્ષના ધર્મેન્દ્રની તબિયત લથડી, દિગ્ગજ અભિનેતા હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો: ધર્મેન્દ્રને પસંદ હતી હેમા માલિની…એટલે જ ‘સીતા ઔર ગીતા’માં કામ કરવા થયા હતા રાજી..!

