અમદાવાદમાં ભુ માફિયા અને ખંડણીખોરોની દાદાગીરી ખુબજ વધતી જઈ રહી છે. શહેરમાં નવી નવી ગેંગ સક્રિય થઇ રહી છે અને આવી ગેંગો દ્વારા સામાન્ય જનતાને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે. પોલીસની નિષ્ફળતાને કારણે ગુંડાઓને મોકળું માર્ગ મળી રહ્યું છે અને બેફામ બની ગયેલા અસામાજિક તત્વો દ્વારા શહેરમાં જેમ ગુનાખોરીને અંજામ આપવામાં આવી રહ્યું છે તેને જોતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
દાણીલીમડા વિસ્તારમાં ત્રણ ખંડણી ખોરોએ સ્થાનિક બિલ્ડર ઉપર તલવાર જેવા તીક્ષણ હથિયાર વડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં બિલ્ડરને શરીરના ભાગે તલવારના અનેક ઘા વાગતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા.આ મામલે તેમણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમા ત્રણ ઈસમોની સામે જીવલેણ હુમલો અને ખંડણી માગવાની ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, રિઝવાન શેખ નામની વ્યક્તિએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાના કાકાની સાથે મળીને કન્ટ્રક્શનનું કામ કરે છે. દાણીલીમડાના મુબારક રો હાઉસ પાસે તેમનો નવો બાંધકામ થઇ રહ્યો છે. જેના લીધે ગઈ કાલે ઈંટોથી ભરેલો ટ્રક તેમના બાંધકામની સાઈટ ઉપર આવ્યો હતો. ટ્રકમાંથી ઇંટોને ઉતારીને તેને નીચે જમાવવામાં આવી રહ્યું હતું ત્યારે તે વિસ્તારના સ્થાનિક લુખ્ખા ઈમ્તિયાઝ, ઈદ્રીશ અને એઝાઝ એ ત્રણેય જણા ત્યાં આવ્યા હતા. ત્રણેય પાસે તલવાર તેમજ અન્ય ઘાતક હથિયારો હતા. રિઝવાન ભાઈને ધમકાવતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બાંધકામ કરવું હોય તો અમને એક લાખ રૂપિયા આપવા પડશે તો જ તમે અહીં બાંધકામ કરી શકશો નહીંતર જાન ગુમાવવાનો વારો આવશે.
રિઝવાન ભાઈએ રૂપિયા આપવાની ના પાડતા ત્રણેય આરોપીઓએ તેમની ઉપર ઘાતક હુમલો કરી દીધો હતો. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે દાણીલીમડા પોલીસે ત્રણેય આરોપીઓની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
