T20WorldCup2026/ ટીમ ઈન્ડિયા ચોથી વખત ફાઈનલમાં, ઈંગ્લેન્ડને હરાવી રચ્યો ઈતિહાસ, હવે અમદાવાદમાં ફાઈનલ જંગ

India vs England T20 World Cup Semifinal: ભારતે ઈંગ્લેન્ડને સેમિફાઇનલમાં 7 રને હરાવી T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સંજુ સેમસનના 89 રન અને ટીમની શાનદાર બોલિંગ.

Top Stories Sports

India reaches T20 World Cup Final: ભારતીય ક્રિકેટ ચાહકો માટે આનંદના સમાચાર છે. મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપની રોમાંચક સેમિફાઇનલમાં ભારતે ઈંગ્લેન્ડને 7 રને હરાવીને સતત બીજી વખત અને કુલ ચોથી વખત ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. રવિવારે 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે.

સંજુ સેમસન અને શિવમ દુબેનો આતશબાજી

ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું, જેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. આ ઇનિંગમાં સંજુ સેમસને માત્ર થોડા જ બોલમાં 89 રનની તોફાની રમત રમી હતી, જ્યારે શિવમ દુબેએ પણ 43 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, અન્ય ખેલાડીઓમાં ઈશાન કિશને 39, હાર્દિક પંડ્યાએ 27 અને તિલક વર્માએ 21 રન બનાવીને ટીમને એક અત્યંત મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.

જેકબ બેથલની સદી એળે ગઈ

254 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ જેકબ બેથલે 48 બોલમાં 105 રન ફટકારીને ભારતની ચિંતા વધારી દીધી હતી. જોકે, ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં શાનદાર વાપસી કરી હતી. ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 246 રન જ બનાવી શકી અને ભારતનો 7 રને વિજય થયો.

વર્લ્ડ કપમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન

ટીમ ઈન્ડિયાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. ભારતે આ ટુર્નામેન્ટમાં બીજી વાર 250+ રન બનાવીને વર્લ્ડ કપનો બીજો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો છે. આ સાથે જ, T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સેમિફાઇનલ કે ફાઇનલ જેવી કોઈ પણ નોકઆઉટ મેચમાં કોઈ પણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બની ગયો છે. આ ઐતિહાસિક જીત સાથે ભારતે ફાઈનલની ટિકિટ પાકી કરી લીધી છે; અગાઉ 2007, 2014 અને 2024માં ફાઈનલમાં શાનદાર સફર ખેડ્યા બાદ, હવે 2026માં પણ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

હવે નજર 8 માર્ચ પર

ભારતીય ટીમ હવે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ઘરઆંગણે અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલ મેચને લઈને અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:વિજેતા ટીમ બનશે માલામાલ! જાણો ચેમ્પિયન અને રનર-અપ ટીમોને ICC કેટલા કરોડ રૂપિયા આપશે

આ પણ વાંચો: ICC Mens T20 World Cup: સંજુની ‘સેમસન’ ઇનિંગ, ભારતનો સેમી ફાઇનલમાં પ્રવેશ

આ પણ વાંચો: સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ ભારતીય ટીમમાં થશે મોટો બદલાવ