Lifestyle: જો પૌંઆ છૂટ્ટા અને ખીલેલા-ખીલેલા બને તો જોવામાં તો સરસ લાગે જ છે પરંતુ, ખાવામાં પણ મસ્ત લાગે છે. આજે અમે તમને પૌંઆની રેસિપી (Poha Recipe) વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. પૌંઆ તો બધાના ઘરે બનતા જ હશે પણ ઘણી વાર ચીપકેલા અને લોંદા જેવા પૌંઆ બની જતા હોય છે! અને એ ખાવામાં બિલકુલ પણ સારા લાગતા નથી. તમને અહિં નાસ્તા (Breakfast) માટેના સરસ છુટ્ટા પૌંઆ બનાવવાની રેસિપી વિશે જણાવીશું…
એ પોષક તત્વોથી ભરપૂર છે અને આ નાસ્તો બાળકોથી માંડીને વડીલ-વૃદ્ધો સુધી તમામ લોકોને પસંદ પડે છે. સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર એવી આ વાનગી જે લોકો વેઇટ લૉસ જર્ની (Weight Loss Journey)માં જોડાયેલા છે એમના માટે પણ અત્યંત ફાયદાકારક સિદ્ધ થશે. તમે એને હળવા ડિનર તરીકે પણ તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.
શી રીતે બનાવશો પૌંઆની રેસિપી (Poha Recipe)?
પૌંઆ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 કપ પૌંઆ
2 બારીક સમારેલી ડુંગળી
1-2 બારીક સમારેલા લીલા મરચા
3-4 ચમચી સીંગદાણા
4-5 ચમચી તેલ
અડધી ચમચી રાઈ
8-10 નંગ મીઠા લીમડાના પાન
અડધી ચમચી ખાંડ (વૈકલ્પિક)
અડધી ચમચી ગરમ મસાલો
1 ચમચી હળદર
1 લીંબુનો રસ
1 ચમચી ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ પૌંઆને સારી રીતે ધોઇને સાફ કરી લેવા અને અલગ એક સ્ટીલની ચારણીમાં રાખવા. એ બરાબર ખીલી જાય અને છૂટ્ટા થાય ત્યાં સુધી અન્ય સામગ્રી તૈયાર કરી લેવી. પૌંઆને ચમચી વડે હલાવતા એ સરસ છૂટ્ટા રહે ત્યારે જ વઘાર કરવો.
2. હવે પેનમાં તેલ ઉમેરીને એને ગરમ કરી લેવું.
3. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને લીલા મરચા ઉમેરવા. રાઈ ફૂટવા લાગે એટલે એમાં સીંગદાણા (Peanuts)ને ઉમેરીને સારી રીતે શેકી લેવા.
4. ત્યાર બાદ પૅનમાં સમારેલી ડુંગળી (Onion) અને મીઠા લીમડાના પાન ઉમેરવા.
5. ડુંગળીને સારી રીતે શેકીને પકાવી લેવી. ત્યારબાદ, એક પછી એક તમામ મસાલાને પણ ઉમેરી દો.
6. હવે વારો છે ધોઇને ખીલી ગયેલા પૌંઆનો! પેનમાં પૌંઆ ઉમેરો અને પછી તમામ સામગ્રી સાથે એને સારી રીતે મિક્સ કરી લો.
7. ત્યારબાદ, પૌંઆમાં લીંબુનો રસ (Lemon Juice) અને શુદ્ધ ઘી મિક્સ કરીને ગૅસ બંધ કરી દો અને પેનને 5 મિનિટ ઢાંકી રાખો.
8. 5 મિનિટ બાદ ખોલીને જોશો તો પૌંઆની ફ્લેવર (Flavour) વધી ગયેલી જણાશે. એ તદ્દન ખીલેલા-ખીલેલા બન્યા હશે. એને તાજી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી દો.

તો તૈયાર છે તમારા ખીલેલા-ખીલેલા સ્વાદિષ્ટ પૌંઆ…બાળકોથી માંડીને વડીલો સુધી તમામ લોકોને એને ટેસ્ટ અત્યંત પસંદ પડશે!
જો તમે બ્રેકફાસ્ટની કોઇ હૅલ્ધી રેસિપી શોધી રહ્યાં હો તો આ તમારા માટે પરફેક્ટ રેસિપી રહેશે…એમાં હાજર પોષક તત્વો પણ તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત અનુકૂળ રહેશે.
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!
આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…
