@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
અમદાવાદના અત્યંત પોશ ગણાતા બોડકદેવના સિંધુભવન વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના એપાર્ટમેન્ટમાં શરમજનક ઘટના બની છે. એક પરિણીતાને તેના પાડોશમાં રહેતા યુવકે બાથમાં ભીડીને તેનાં કપડાં ફાડી પોતાના ઘરમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાડોશીએ ભેગા થઈ જતાં માંડ પરિણીતાએ પોતાની આબરૂ બચાવી હતી.
શહેરના સિંધુભવન વિસ્તારમાં આવાસ યોજનાના ફ્લેટમાં રહેતી મહિલા બાળકોને ઘરમાં મુકીને સફાઈ કામ માટે ગઈ હતી અને કામ પતાવીને સવારે 11 વાગે પોતાના ઘરે પરત ફરી હતી..અને ફ્લેટની સીડીઓ ચઢતી હતી ત્યારે ફ્લેટમાં પહેલા માળે રહેતો અજીત પાંડે નામનો શખ્સ માત્ર અંડરવેર પહેરીને સીડી પાસે ઊભો હતો અને ગાળો બોલતો હતો..જોકે તે દારૂના નશામાં હોય તેવુ પરિણીતાને લાગતા મહિલા ગભરાઈને ઊભી રહી ગઈ હતી અને યુવક તેની તરફ ગંદી નજરથી જોતો હતો..જોકે મહિલાએ હિમંત કરીને સાઈડમાંથી નીકળી પોતાનાં ઘરના દરવાજે જઈ ઉતાવળથી પોતાનાં ઘરનુ તાળુ ખોલતી હતી…ત્યારે અજીત પાંડેએ મહિલાને પાછળથી અચાનક બાથમાં ભીડી લીધી હતી અને તેનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતા. બાદમાં તેણે તેને પોતાના ઘરમાં ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ચીસાચીસ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં માંડ પરિણીતાએ પોતાની આબરૂ બચાવી હતી.
મહિલાએ પતિને ફોન કરીને આ બાબતની જાણ કરતા પતિ ધરે આવ્યો હતો જોકે તે બાદ પણ છેડતી કરનાર અજીત પાંડેએ મહિલાના પતિને ગાળો આપી હતી..મહિલાના પતિએ તેને સમજાવવાનો પ્રયાસ કરતા તેણે મહિલાનાં પતિએ ધમકી આપી “હું ઉપરથી નીચે ફેંકી દઈશ, મારી નાખીશ”, તેમ કહીને બોચીથી પકડી પીઠના ભાગે લાતો મારીને તેના ઘરમાં જતો રહ્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ મહિલાનાં પતિએ પોલીસમાં ફોન કરતા આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે આ મામલે અજીત પાંડેની ધરપકડ કરી હતી…
