નવી દિલ્હી,
દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક દ્વારા હવે વિવાદાસ્પદ ટ્રેન્ડિંગ ફિચર્સ હટાવવા માટે તૈયારી કરી રહ્યું છે. ટ્રેન્ડિંગ ફિચર્સની જગ્યાએ ફેસબુક બ્રેકિંગ ન્યુઝ નોટિફિકેશન શામેલ કરી રહ્યું છે જેથી યુઝર્સને ભવિષ્યમાં સમાચારોના નવો અનુભવ આપવામાં આવી શકે.
ફેસબુકના ન્યુઝ પ્રોડ્કટના હેડ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું, “અમે આગામી સપ્તાહે ટ્રેન્ડિંગ ફિચર્સને હટાવી લઈશું. આ ઉપરાંત ટ્રેન્ડસ API પર નિર્ભર પ્રોડક્ટ્સ અને થર્ડ પાર્ટી પાર્ટનર ઈન્ટીગ્રૅશનને પણ હટાવવામાં આવશે”.
આ પહેલા ફેસબુક દ્વારા ૨૦૧૪માં ટ્રેન્ડિંગ ફિચર્સ રજુ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ લોકોને લોકપ્રિય સમાચારના વિષયોને શોધવા માટે મદદ કરવાનો હતો.
ટ્રેન્ડિંગ ફિચર્સમાં હેડલાઈન્સનું કલેક્શન બતાવવામાં આવતું હતું, પરંતુ આ ફિચર્સને લઇ ફેસબુકને ટુંક જ સમયમાં રાજકારણના પૂર્વગ્રહના આરોપોનો સામનો કરવો પડ્યો હતો.
NBC ન્યુઝના રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, શરૂઆતમાં હેડલાઈન્સ એડિટર દ્વારા પસંદ કરાતી હતી. આ પ્રોજેક્ટમાં કામ કરી ચુકેલા કોન્ટ્રેકટરે દાવો કયો છે કે, ફેસબુક દ્વારા આ ફિચર્સનો પ્રયોગ ઉદારવાદી મુદ્દાઓને વધારવા તેમજ કટ્ટર વિચારધારાઓને દબાવવા માટે કરાતો હતો.
જો કે ત્યારબાદ આ એડિટરોને હટાવી દીધા હતા અને સંતુલન બનાવવા માટે એક અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો, પરંતુ આ અલ્ગોરિધમ દ્વારા હેડલાઈન્સ સોર્ટ કરવાથી ઘણી ફ્રોડ માહિતી અને આપત્તિજનક કન્ટેન્ટ પણ આ ફિચર્સમાં પોતાની જગ્યા પામવા લાગ્યા હતા.
