USA News : અમેરિકામાં ધાર્મિક સ્વાતંત્ર્ય અને ભક્તોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસમાં એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બિલ રજૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસમેન ટોમ સુઓઝી અને કોંગ્રેસમેન મેક્સ મિલરે સંયુક્ત રીતે ‘SACRED Act’ (Safeguarding Access to Congregations and Religious Establishments from Disruption) નામનું બિલ રજૂ કર્યું છે, જેનો મુખ્ય હેતુ ધાર્મિક સ્થળો (Religious Places)એ આવતા લોકોને હેરાનગતિ અને ધમકીઓથી સુરક્ષિત રાખવાનો છે.તાજેતરના વર્ષોમાં અમેરિકાના વિવિધ વિસ્તારોમાં હિન્દુ મંદિરો (Temples), ચર્ચ, ગુરુદ્વારા, મસ્જિદો અને સિનાગોગની બહાર ભક્તોને ડરાવવા, અવરોધ ઉભો કરવા અને શાબ્દિક દુર્વ્યવહારની ઘટનાઓ સામે આવી છે.
હિન્દુ મંદિરો (Temples), ચર્ચ, ગુરુદ્વારા, મસ્જિદો આસપાસ સુરક્ષિત વિસ્તાર જાહેર કરવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધાર્મિક સ્થળોની આસપાસ સુરક્ષિત વિસ્તાર જાહેર કરવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે.પ્રસ્તાવિત કાયદા મુજબ કોઈપણ ધાર્મિક સ્થળની આસપાસ 100 ફૂટનો ‘બફર ઝોન’ બનાવવામાં આવશે. આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ જો ભક્તોને ઇરાદાપૂર્વક ધમકાવે, તેમનો રસ્તો રોકે અથવા હેરાન કરવાના હેતુથી ખૂબ નજીક જાય તો તેને ફેડરલ ગુનો ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
આ બિલને અમેરિકામાં વસતા હિન્દુ, શીખ, યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયોના અનેક સંગઠનોનું સમર્થન મળ્યું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) અને યુનાઈટેડ શીખ્સ સહિત અનેક સંસ્થાઓએ આ કાયદાને ધાર્મિક સ્વાતંત્ર્યના રક્ષણ માટે જરૂરી પગલું ગણાવ્યું છે.
સાંસદોના જણાવ્યા અનુસાર અમેરિકાનું બંધારણ દરેક નાગરિકને શાંતિપૂર્ણ અભિવ્યક્તિનો અધિકાર આપે છે, પરંતુ કોઈને પણ અન્ય વ્યક્તિના ધાર્મિક અધિકારોમાં અવરોધ ઉભો કરવાનો અધિકાર નથી. SACRED Act લાગુ થશે તો દેશભરમાં ધાર્મિક સ્થળો (Religious Places)એ આવતા ભક્તોને વધુ સુરક્ષિત વાતાવરણ મળી શકશે અને ધાર્મિક સહિષ્ણુતા વધુ મજબૂત બનશે.
જો આ બિલને કોંગ્રેસ અને સેનેટની મંજૂરી મળશે, તો અમેરિકામાં ધાર્મિક સ્થળો (Religious Places)ની સુરક્ષા માટે તે એક ઐતિહાસિક કાયદો સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ:ઉપદ્રવીઓએ લખ્યું- ‘હિન્દુઓ પાછા જાઓ
આ પણ વાંચો : અમેરિકામાં ફરી હિન્દુ મંદિર પર હુમલો, દિવાલો પર ભારત વિરુદ્ધ અપશબ્દો, મંદિર પ્રશાસને ઘટનાને વખોડી
આ પણ વાંચો : અમેરિકામાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જાણો કોણે કહ્યું આ તો માત્ર હુમલાની શરૂઆત છે
