અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને આશંકા વ્યક્ત કરતા કહ્યુ છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર લોકો દેશ છોડીને જતા રહ્યા છે. આમાંના મોટાભાગના લોકો એવા છે જેમને તાલિબાનની શક્તિથી નુકસાન થવાનું જોખમ રહેલું છે. જેમાંથી કેટલાક લોકો એવા પણ હોઈ શકે છે જે ષડયંત્ર તરીકે અમેરિકા કે યુરોપ જઈ રહ્યા છે. એમ પણ આશંકા છે કે આ ઇસ્લામિક આતંકવાદીઓ હોઈ શકે છે, જેઓ આ તકનો લાભ લઈને અમેરિકા અને યુરોપ સહેલાઇથી પહોંચી શકે છે અને ત્યાં આશ્રય મેળવી શકે છે. ગુપ્તચર એજન્સીઓ અફઘાનિસ્તાનથી આવેલા લગભગ સો લોકો પર નજર રાખી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પણ આશંકાને લગતું નિવેદન આપતા કહ્યુ હતુ કે, આતંકવાદીઓ અફઘાનિસ્તાનની પરિસ્થિતિનો લાભ લઈ શકે છે. તેમનો સીધો સંદર્ભ આતંકવાદી સંગઠન આઈએસ અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓ માટે હતો. પેન્ટાગોન જણાવ્યા પ્રમાણે , આ આતંકવાદીઓ અમેરિકા અને યુરોપિયન દેશો સુધી પહોંચી શકે છે અને ત્યાં તેમનું નેટવર્ક વિકસાવી શકે છે. જો એમ થશે તો આવનારા સમયમાં અમેરિકા અને યુરોપની સમસ્યાઓ વધી શકે છે.
કાબુલથી ઉડતા અમેરિકન અને યુરોપીયન વિમાનો શંકાસ્પદોની શોધમાં જ કતારમાં નાટોના સભ્ય દેશ અને યુએસ લશ્કરી બેઝ પર ઉતરાણ કરે છે. આ પ્રક્રિયામાં બ્રિટન જતા છ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી પણ મળી છે કે આઇએસ કાબુલ એરપોર્ટની અંદર અમેરિકન અને બ્રિટીશ સૈનિકો પર હુમલો કરી શકે છે. શુક્રવારના હુમલાથી આ માહિતી સાચી પણ સાબિત થઈ છે. પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. આગામી દિવસોમાં પણ હુમલાની અપેક્ષા છે.
આ વર્ષના અંત સુધીમાં અફઘાનના પાંચ લાખ જેટલા નાગરિકો સરહદ પાર જઇ શકે છે. હાલમાં પણ તાલિબાન શાસનથી ડરતા નાગરિકો રોજ ઈરાન અને પાકિસ્તાન જઈ રહ્યા છે.
