@અમિત રૂપાપરા
સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતમાં સામે આવી છે. સુરત કોર્ટની નજીક જ જાહેર રસ્તા પર બે અજાણ્યા ઈસમ દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવી હતી. એવી પણ વિગતો સામે આવી રહી છે કે મૃતક હત્યાના ગુનામાં તારીખ ભરવા માટે સુરત કોર્ટમાં આવ્યો હતો. પોલીસ દ્વારા અજાણ્યા સામે ગુનો નોંધીને તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે અવારનવાર ચોરી, મારામારી, લૂંટ હત્યા જેવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત કોર્ટથી થોડા જ અંતરે એક હત્યાની ઘટના સામે આવી છે. સુરજ યાદવ નામનો સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં તારીખ ભરવા માટે કોર્ટમાં આવ્યો હતો. ત્યારબાદ તે પોતાની બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા ઇસમોએ સૂરજને આંચરીને તેના પર હુમલો કર્યો હતો.
આ ઘટનામાં સૂરજને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું. એવી પણ આ શંકાઓ છે કે હત્યારાઓએ 15થી 17 ઉપરા છાપરી ચપ્પુના ઘા સુરજને ઝીંક્યા હોવાના કારણે તેનું મોત થયું છે. તો હાલ સૂરજના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ આ ઘટનાને લઈને ઉમરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ડીસીપી એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની વિઝીટ કરી સમગ્ર મામલે અજાણ્યા હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો શહેરમાં હત્યારાને પકડવા માટે નાકાબંધી પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર
આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ
આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી
આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
