નવરાત્રિ/ હળવદમાં સાત વર્ષના બાળકના અદભુત બેસણી રાસે ધૂમ મચાવી

હળવદ પોલીસ પરીવાર આયોજિત ગરબીમાં બાળકે મોટેરાઓને પણ શરમાવે તેવા જોશ સાથે રાસને બખૂબી પૂર્વક રજૂ કરતા પોલીસ અધિકારીઓ સહિત ઉપસ્થિત સહુ કોઈ આફરીન પોકારી ગયા 

Gujarat Navratri celebration Others Navratri 2022
Untitled 13 9 હળવદમાં સાત વર્ષના બાળકના અદભુત બેસણી રાસે ધૂમ મચાવી

માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ દરમિયાન હળવદ પંથકમાં તમામ પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રંગત જામી રહી છે. ત્યારે હળવદ પોલીસ પરિવાર આયોજિત ગરબી ભારે રંગત જમાવી રહી છે.જેમાં ખાસ કરીને એક સાત વર્ષના બાળકે અદભુત બેસણી રાસ સહિતના રાસો ખૂબ જ બખૂબીથી રજૂ કરતા પોલીસ અધિકારીઓ સહિત ઉપસ્થિત સહુ કોઈ દંગ રહી ગયા હતા. આ ટાબરીયાને અદભુત રીતે રાસ રમતા જોઈને તેની સાથે ગરબે રમતા યુવક યુવતીઓ પણ ઉભા રહી જઈને તેમના મોઢા વિસ્મયથી પહોળા થઈ ગયા હતા.

હળવદ પંથકની તમામ પ્રાચીન ગરબીમાં હળવદ પોલીસ પરિવાર આયોજિત પ્રાચીન ગરબી સમગ્ર પંથક સહિત રાજ્યભરમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. એનું કારણ એક સાત વર્ષના બાળકનો અદભુત રાસ છે. હળવદના રાણેકપર ગામે રહેતા માત્ર સાત વર્ષીય વિવેક બળદેવભાઈ ભરવાડ નામના બાળકે પોલીસ પરિવારની ગરબીમાં ધૂમ મચાવી હતી. આ બાળકે રજૂ કરેલો રાસનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બાળક કોઈ નિવડેલા સમર્થ નૃત્યકારની જેમ જ અદભુત રીતે રાસો રજૂ કર્યા હતા. જેમાં તેણે રજૂ કરેલો બેસણી રાસ ઉપરથી ઉપસ્થિત સહુ કોઈ આફરીન પોકારી ગયા હતા. ખાસ કરીને ટીટોડો, હુડો, બેસણી રાસ રમવો એ ભરવાડ અને રબારી સમાજની આગવી સંસ્કૃતિ છે. તેમને આ રાસ રમવાની કલા વારસામાં જ મળે છે. એટલે આ બાળક રાસ રજૂ કરવામાં એટલો ઓતપ્રોત થઈ ગયો કે તેને સમય સ્થળનું કશું જ ભાન ન રહ્યું અને તેણે રજૂ કરેલા સર્વશ્રેષ્ઠ રાસથી તેની સાથે રમતા યુવાનો તેમજ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત ઉપસ્થિત સહુ કોઈ ઘડીભર દંગ રહી ગયા હતા.

v6 હળવદમાં સાત વર્ષના બાળકના અદભુત બેસણી રાસે ધૂમ મચાવી

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રજાની જાનમાલની રક્ષા કરતા તેમજ હાલ નવરાત્રી મહોત્સવની દરેક ગરબીમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા સમગ્ર હળવદ પોલીસ સ્ટાફ દ્વારા પોતાની ફરજ નિષ્ઠા યોગ્ય રીતે નિભાવવાની સાથે માતાજીની ભક્તિ પણ કરવામાં આવી રહી છે. હળવદ શહેરમાં પોલીસ લાઈન ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખૈલૈયાઓ મન મુકીને રાસ ગરબે રમી રહ્યા છે. આ ગરબીમાં મોટા મોટા કલાકાર આવતા હોવાથી ભારે જમાવટ કરી રહી છે. ત્યારે છઠા નોરતે હળવદની આ પોલીસ પરિવાર આયોજિત ભવ્ય ગરબીમાં ગુજરાતી અર્બન મુવીના કલાકારો જનક ઝાલા, નીરવ બ્રહ્મભટ્ટ, આર્યન બારોટ સહિતના કલાકારો હાજરી આપી ખેલૈયાઓને મનોરંજન પૂરું પાડ્યું હતું. જ્યારે હળવદમાં અગાઉ પીઆઇ તરીકે ફરજ બજાવી ગયેલા એમ.આર. સોલંકીએ જે તે સમયે પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ શરૂઆત કરવાની પહેલ કરી હોય તેઓ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.