New Delhi News: ભારતમાં ઓનલાઈન મની ગેમિંગનો જોરદાર ક્રેઝ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યો હતો. લાખો યુઝર્સ MPL, ડ્રીમ-11, માય11 સર્કલ, પોકરબાઝી અને રમી સર્કલ જેવી એપ્સ પર નસીબ અજમાવતા હતા. પરંતુ હવે સંસદ દ્વારા ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતું બિલ મંજૂર થતાં સમગ્ર ઉદ્યોગમાં હચમચાટ મચી ગયો છે.
બિલ પાસ થયા બાદ મોબાઈલ પ્રીમિયર લીગ (MPL) અને જ્યુપિટર જેવી એપ્સે તરત જ તેમના પ્લેટફોર્મ પર મની ગેમિંગ સર્વિસ બંધ કરી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે આવનારા દિવસોમાં ડ્રીમ-11, માય11 સર્કલ, પોકરબાઝી અને રમી સર્કલ જેવી મોટી એપ્સ પણ મની ગેમિંગ હટાવી શકે છે.
આ નિર્ણયનો સીધો પ્રભાવ ભારતમાં ઝડપથી વિકસતા ઓનલાઈન ગેમિંગ માર્કેટ પર પડશે. અંદાજ મુજબ, આ ઉદ્યોગની કિંમત હાલ $3.8 બિલિયન (અંદાજે 31 હજાર કરોડ રૂપિયા) જેટલી છે. પ્રતિબંધ બાદ આ ઉદ્યોગને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ, જેમણે રોકાણકારોથી મોટું ફંડિંગ મેળવી ગેમિંગ પ્લેટફોર્મ વિકસાવ્યાં હતા.
તેઓ હવે નવી દિશા શોધવા મજબૂર થશે.
કાયદા મુજબ, હવે કોઈ પણ ગેમિંગ કંપની ભારતમાં યુઝર્સ પાસેથી પૈસા લઈને ગેમ રમવા અથવા જુગાર જેવી પ્રવૃત્તિઓ કરાવી શકશે નહીં. જોકે, સ્કિલ-બેઝ્ડ ગેમ્સ પર હજુ સ્પષ્ટતા થવી બાકી છે. ઉદ્યોગના ખેલાડીઓ સરકાર પાસે માર્ગદર્શિકા અને નિયમો સ્પષ્ટ કરવા માંગ કરી રહ્યા છે, જેથી તેઓ કાનૂની મર્યાદામાં રહી કામ ચાલુ રાખી શકે.
ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી ઘણી નોકરીઓ જોખમમાં આવી શકે છે. હજારો યુવાનો સીધા કે આડકતરી રીતે આ એપ્સ સાથે જોડાયેલા છે. બીજી બાજુ, સરકારે આ પ્રતિબંધ પાછળનું કારણ યુવાનોમાં વધતી લત, નાણાકીય નુકસાન અને જુગાર જેવી પ્રવૃત્તિઓને રોકવું હોવાનું સ્પષ્ટ કર્યું છે.
ભારતમાં ઓનલાઈન ગેમિંગનું ભવિષ્ય હવે નીતિગત ફેરફારો પર આધારિત રહેશે. એક તરફ જ્યાં રોકાણકારો આ ઉદ્યોગની ગતિ ધીમી થવાની આશંકા દર્શાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ કેટલાક ઉદ્યોગકારો આને ગેમિંગમાં પારદર્શિતા અને જવાબદારી લાવવાનો સકારાત્મક પ્રયાસ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો:દિલ્હીના કરોલ બાગમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3ના મોત, 14 ઘાયલ
આ પણ વાંચો:દિલ્હીના રાજેન્દ્રનગરમાં દુર્ઘટના, વરસાદના પાણી ભરાવાથી UPSCનાં 3 આશાસ્પદ વિદ્યાર્થીઓનાં મોત
આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાના લીધે અમદાવાદ એરપોર્ટ પર બે ફ્લાઇટ રદ, મુસાફરો રઝળ્યા
