- હોસ્ટેલને નર્કાગાર બનાવવાનું પાપ ક્યાં સુધી છાવરાશે?
- શિક્ષણના સ્તરનું હજુ કેટલું પતન ?
- જવાબદાર બાબુઓ હરામનું કેટલું પચાવશે ?
અમદાવાદને શાંઘાઈ બનાવવાના સપના છે. મોટી મોટી વાતોના વડા છે.આસમાની સૂલતાની હવે તંત્રવાહકોની આદત થઈ ગઈ છે. પણ હકીકત? હકીકત આમ તો અમદાવાદીઓ જાણે જ છે પણ હકીકત બહુ જ નિમ્ન છે.
કમનસીબે દેશના જ કોઈ પછાત વિસ્તારની આ સરકારી હોસ્ટેલ નહિ પણ અમદાવાદ જેવા મેટ્રોપોલીટીન શહેરમાં આવેલી સરકારી હોસ્ટેલની વાત છે. જે ની હાલત કોઈ ઉકરડાથી પણ બદતર છે. AC ચેમ્બરમાં બેસીને શહેરને શાંઘાઈ બનાવવાની શેખી મારતા બાબુઓના પાપે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હાલત જોવા જેવી છે.
મંતવ્ય ન્યુઝ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત ચકાસવા ગઈ તો જે ગટરના ઉભરાતા પાણી અને ગંદકીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યાં એ જોઈને અમારું પણ માથું શરમથી ઝૂકી ગયું. કાગળ પર યોજનાઓ બનાવીને પોરસાઈ જતાં નઘરોળ તંત્રની બલિહારી તો જુઓ કે જ્યાંથી દેશનું ભવિષ્ય તૈયાર થવાનું છે, ત્યાં સ્થિતિ કેટલી શરમજનક છે.
હોસ્ટેલમાં અંદર, બહાર, કેન્ટીનમાં, શૌચાલયમાં જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં વહિવટી તંત્રની નિષ્ફળતા અને નગ્ન બેદરકારી કાનના પરદા ફાટી જાય એ રીતે છાપરે ચઢીને પોકારી રહી છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ બાબુઓનો કાફલો પ્રજાના નાણાંએ હવાઈ મુસાફરી કરીને હમણાં કુવૈત જઈ આવ્યો. કારણ શું હતું ખબર છે સ્ટડી ઈન ગુજરાત અભિયાન અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસઅર્થે આમંત્રણ આપવાનું! અરે સાહેબો, પહેલાં એકવાર ગુજરાત યુનિવર્સિટીની આ હોસ્ટેલમાં તો લટાર
મારો. તમારો આત્મા પણ એના નાકે રૂમાલ ન રાખી દે તો કહેજો! અરે અમદાવાદને સ્વચ્છતામાં નંબર વન લાવવાની વાતો કરતા તમને શરમ નથી આવતી જ્યારે એ જ અમદાવાદની મહત્વની ગણાતી ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં આ હદે દારૂણ સ્થિતિ છે સ્વચ્છતાની?
મૂળ મુદ્દો જ એ છે કે પાયાના પ્રશ્ન સુધી ધ્યાન આપી ન શકાય એ માટે તંત્ર PHD કરી ચૂક્યું હોય એવું લાગે છે. જ્યાં કોઈ સમસ્યા, ક્ષતિ, ઉણપ ઉપર કાગારોળ થાય કે ધ્યાન ભટકાવવા માટેનો મુદ્દો પાસાની જેમ જનતા વચ્ચે ફેંકાય. લખી લો, જો આ નઘરોળ તંત્ર સુધર્યું નહી અને કમ સે કમ પોતાના સપનાનું ભાથું લઈને આવતી ભાવિ પેઢીનેય જો સ્વચ્છ વાતાવરણ ન મળ્યું તો આ દેશનું ભવિષ્ય ભેંકાર છે એમાં કોઈ શંકા નથી!
આયુષી યાજ્ઞિક,મંતવ્ય ન્યૂઝ,અમદાવાદ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
