એરપોર્ટ પર તૈયારીઓને આખરી ઓપ/ જાણો, ક્યારે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પહેલી ફ્લાઈટ ઉડાન ભરશે

આગામી 10 સપ્ટેમ્બરથી હીરાસર એરપોર્ટથી ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન શરૂ કરવામાં આવનાર છે. જૂના એરપોર્ટ પરથી 8 સપ્ટેમ્બરે છેલ્લી ફ્લાઈટ ઉડાન ભરશે.

Gujarat Rajkot

રાજકોટની ભાગોળે હિરાસર ગામે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે,27 જૂલાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકોર્પણ કરવામાં આવેલું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્રારા જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે 8 સપ્ટેમ્બરે આખરી ઉડાન રાજકોટના એરપોર્ટ પરથી ભરાશે.

જ્યારે તેના પછીના દિવસ એટલે કે નવ સપ્ટેમ્બરે એરપોર્ટ પર ફ્લાઈટનું સંચાલન બંધ રહેશે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (એન્જિનિયરિંગ) જી.પ્રભરન દ્વારા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર સુનિલકુમાર શર્માને સર્ટિફિકેટ ફાળવવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે નવું એરપોર્ટ ડોમેસ્ટિક ફ્લાઈટના સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યું છે અને હવે અહીંથી ફ્લાઈટની ઉડાન ભરી શકાય તેમ છે.

આ સર્ટિફિકેટ મળી ગયા બાદ રાજકોટ એરપોર્ટ દ્વારા 10 સપ્ટેમ્બરથી નવા એરપોર્ટ પરથી જ તમામ પ્રકારની ફ્લાઈટનું સંચાલન કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે અત્યારે તૈયારીઓનો ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો છે. બીજી બાજુ જૂનું એરપોર્ટ કે જ્યાં અત્યાર સુધીમાં લાખો જેટલા મુસાફરોએ ઉડાન ભરી છે તેને આઠ સપ્ટેમ્બરે બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત નવ સપ્ટેમ્બરે રાજકોટમાં એક પણ ફ્લાઈટનું સંચાલન નહીં થાય અને દસ સપ્ટેમ્બરથી તમામ મુસાફરોએ હિરાસરથી જ ફ્લાઈટ પકડવાની રહેશે.

10 સપ્ટેમ્બરથી નવું એરપોર્ટ કાર્યરત થવા જઈ રહ્યું છે જે રાજકોટથી 32 કિલોમીટર દૂર હોવાને કારણે હવેથી ફ્લાઈટ પકડવા માટે મુસાફરોએ ટેક્સીના ભાડારૂપી મોટો ચાંદલો કરાવવો પડશે. જૂનું એરપોર્ટ શહેરની વચ્ચોવચ્ચ હોવાને કારણે મુસાફરો સરળતાથી રિક્ષા મારફતે પણ ત્યાં પહોંચી શકતા હતા. જો કે નવું એરપોર્ટ શહેરથી ઘણું જ દૂર હોવાને કારણે મુસાફરોએ કાં તો ટેક્સી કાં તો બસનો સહારો લેવો પડશે. જો ટેક્સીમાં કોઈ મુસાફર નવા એરપોર્ટ પર જશે તો તેમણે અંદાજે બે હજાર રૂપિયા જેટલો ખર્ચ થશે. આ જ રીતે જો બસમાં જશે તો તેનું ટિકિટભાડું પણ ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત ખાસ કરીને મુસાફરોએ 32 કિલોમીટરનું અંતર કાપી એરપોર્ટ પહોંચવાનું હોવાથી ઘરેથી પણ વહેલું નીકળવું પડશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો મુકાબલો રમાવાનો હોય તેના બે દિવસ અગાઉ બન્ને ક્રિકેટ ટીમો રાજકોટ આવી પહોંચતી હોય છે. તેમજ ક્રિકેટરોની એક ઝલક જોવા ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે પહોંચી જતાં હોય છે. ત્યારે આવી જ રીતે 27 સપ્ટેમ્બરે રાજકોટમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મુકાબલો રમાવાનો છે. જેના માટે 25 સપ્ટેમ્બરે જ બન્ને ટીમો રાજકોટ આવી પહોંચવાની છે. જોકે, આ વખતે ક્રિકેટ ટીમ જૂના નહીં બલ્કે નવા એરપોર્ટ પર ઉતરાણ કરનાર હોવાથી તેમની ઝલક જોવા માટે ક્રિકેટ રસિકોએ 32 કિલોમીટર સુધીનું અંતર કાપવું પડશે.

આ પણ વાંચો:દરિયાકાંઠાના ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, જાણો શું આપી સહાય

આ પણ વાંચો:રાજકોટ જંકશન રેલવે પ્લેટફોર્મ પર ચોરને પકડવા ગયેલા હેડ કોન્સ્ટેબલનું ટ્રેનની ઠોકરે કરૂણ મોત

આ પણ વાંચો:તાપી-સોનગઢના ગુણસરા ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની રાજ્ય કક્ષાની થશે ઉજવણી

આ પણ વાંચો:વિદ્યાનાધામમાં ગાંજાની ફેક્ટરી, ગુજરાત યુનિવર્સિટીમાં નશાના છોડ