Surat News : સુરત પોલીસે ઓનલાઈન છેતરપિંડીના સૌથી મોટા ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. હવે 1455 કરોડના ફ્રોડમાં તપાસનો રેલો બેંક મેનેજરો સુધી પહોંચ્યો છે. બીજીતરફ ક્યુબા, થાઈલેન્ડ અને મલેશિયાથી ઓપરેટ થતા સાયબર ચીટિંગમાં છેલ્લા છ મહિનામાં 165 કરંટ બેંક ખાતા મારફત અંદાજિત 1455 કરોડના ટ્રાન્જેકશન થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં મુખ્ય સુત્રધાર એવા કિરાતને ઝડપી પાડ્યો છે. જ્યારે દિવ્યેશ અને વૃંદા પોલીસ પકડથી દૂર હોય અને તે વિદેશ ભાગી ગયા હોવાની આશંકાના પગલે લુકઆઉટ નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. સુરતમાં આ સમગ્ર ફ્રોડ વસુંધરા ફ્રેબની આડમાં ચાલતું હતું. આ મામલે બેંકના કર્મચારીઓની સંડોવણીની પણ શક્યતા હોય હવે તપાસનો રેલો અલગ અલગ બેંક સુધી પહોંચ્યો છે.
દિવ્યેશ અને વૃંદાની પોલીસ શોધખોળ કરી રહી છે. આ સમગ્ર કૌભાંડમાં દિવ્યેશની મહત્વની ભૂમિકા બેંકના કરંટ એકાઉન્ટ ખોલાવવાની કાર્યવાહી માટે જરૂરી તમામ દસ્તાવેજી કાર્યો માટે હતી. બીજી તરફ, વૃંદા પોતાનાં ભાઈ જે મુખ્ય આરોપી કિરાત છે તેની સાથે મળીને ઓફિસમાં નોકરી કરતી હતી. જ્યાંથી જ આ સમગ્ર સાયબર ફ્રોડની ગતિવિધી ચાલતી હતી.પોલીસે જણાવ્યું કે, દિવ્યેશ અને વૃંદાને ઘણા વખતથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં. જોકે બંને અવારનવાર તપાસ ટાળી રહ્યા હતા અને અત્યાર સુધી તેઓ મળી શક્યા નથી. વધુમાં, બંને શંકાસ્પદ દુબઈ પણ જઈ ચૂક્યા છે અને તેમની પાસે પાસપોર્ટ પણ છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસને તેમના વિદેશ ભાગી જવાની પૂરી શક્યતા જણાઈ હતી.
આ કારણે બંને વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવામાં આવી છે.આરોપીઓએ ‘વસુંધરા ફેબ’ નામની ટેક્સટાઇલ ફેબ્રિક કંપની બતાવતી ઓફિસ શરૂ કરી હતી. બહારથી જોઈને લાગે કે અહીં કાપડ ઉત્પાદન અથવા વેચાણ થતું હોય, પણ અંદર ચાલતી હતી બેંક એકાઉન્ટ અને જીએસટી નંબર ખોલાવવાની વ્યવસ્થિત કામગીરી.
પોલીસને મળેલી માહિતી મુજબ, બેંકના અધિકારીઓ પોતે આ ઓફિસ સુધી આવતા અને ત્યાંથી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરાતી હતી. જેમાં ગુમાસ્તા લાયસન્સ, પેઢી માટેના રેન્ટ એગ્રીમેન્ટ સહિતના તમામ દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા. બેંક એકાઉન્ટ માટે રેન્ટ એગ્રીમેન્ટ પણ અલગ-અલગ દુકાનોના સરનામા દર્શાવી બનાવવામાં આવતા, જેથી ફર્મો અલગ લાગતી હોય. આ તમામ ફર્મો ટેક્સટાઇલના નામે શરુ કરવામાં આવી હતી, પરંતુ હકીકતમાં તેમનો ઉદ્દેશ માત્ર બેંકિંગ વ્યવહાર માટે અકાઉન્ટ ખોલાવવો અને એનાં માધ્યમથી કરોડો રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરવાના હતા.
આ પ્રકરણના મુખ્ય આરોપી કિરાતે બે વર્ષ પહેલા ઓનલાઇન ટેક્સટાઇલ બિઝનેસ શરૂ કર્યો હતો, પણ લાભ મળતો નહોતો. ત્યારબાદ તેણે ક્રિપ્ટોકરન્સી બિઝનેસમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી ફ્રોડ ધંધાની શરૂઆત કરી. પોલીસનું કહેવું છે કે તેણે જૂના ટેક્સટાઇલનો માલ ઓફિસમાં રાખી દીધો હતો જેથી બેંકના લોકોના શંકાને નિવારી શકાય.
મહત્વનું છે કે સમગ્ર પ્રકરણમાં માત્ર આરોપીઓ નહીં, પરંતુ કેટલાક બેંક કર્મચારીઓ પણ તપાસના દાયરામાં આવ્યા છે. અત્યાર સુધી RBL બેંકના ત્રણ મેનેજરોના નિવેદન લેવાઈ ચુક્યા છે. સાથે સાથે અન્ય બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.કંપની ‘વસુંધરા ફેબ’ ની ઓફિસમાં પોલીસને તપાસ દરમિયાન ટેક્સટાઇલના થોડા જુના સ્ટોક, ટેક્સ ઈનવોઇસ અને ડિસ્ટ્રિબ્યુટર લિસ્ટ મળ્યા, પણ બધું જ “દેખાડા” માટે હતું.
અંદરથી મળેલા ડિજિટલ ડોક્યુમેન્ટ્સ, ચેક બુક, સ્ટેમ્પ, રેન્ટ એગ્રીમેન્ટ ફોર્મ્સ અને નકલી પાનકાર્ડની કોપીઓ એ સાબિત કરે છે કે આ ફ્રોડ માટે ડેડિકેટેડ ઓફિસ બનાવી હતી, જેમાં માત્ર ફેક પેઢીઓ માટે ઓપરેશન ચાલતું હતું. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે દેશભરમાં થયેલા અનેક સાઈબર ફ્રોડ ટ્રાન્ઝેક્શનમાં જે બેંક એકાઉન્ટ વપરાયા છે તે તમામ સુરતમાંથી ખોલવામાં આવેલા હતાં.
આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી
આ પણ વાંચો:ગેરકાયદે અમેરિકા જવાના કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ
આ પણ વાંચો:કબૂતરબાજીની વ્યાપક ફરિયાદોને પગલે ગુજરાતભરમાં પોલીસના દરોડા
