Not Set/ કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનું નિધન,

રાજ્યના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે ભુજના રણજીતવિલાસ પેલેસમાં આજે પરોઢે 6 કલાકે નિધન થયું છે. મહારાવશ્રી લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા.

Gujarat Others

રાજ્યના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે ભુજના રણજીતવિલાસ પેલેસમાં આજે પરોઢે 6 કલાકે નિધન થયું છે. મહારાવશ્રી લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. કેન્સર અને તેની દવાઓની આડ-અસરથી તેમનું નિધન થયું હોવાનું તેમના વારસદાર કુંવર ઇંદ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થોડાંક સમય અગાઉ મહારાવ કોરોનાથી પણ સંક્રમિત થતા તેમની તબિયત વધુ લથડી હતી. અલગ કચ્છ રાજ્યના પ્રખર હિમાયતી રહેલાં મહારાવ તેમની પાછળ ધર્મપત્ની પ્રીતિદેવી અને ત્રણ વારસદારોને વિલાપ કરતાં મૂકી ગયાં છે. આજે બપોરે 12થી 1 કલાક દરમિયાન તેમના નશ્વર દેહને રણજીતવિલાસ પેલેસ ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજપરિવારના સ્મશાન છત્તરડી ખાતે રાજ પરંપરા અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

માંધાતાસિંહજીએ જણાવ્યું કે કચ્છની પોતાની અલગ ઓળખ અને ભાતીગળ સંસ્કૃતિ છે. કચ્છના રાજવી પરિવારે હંમેશા એનું જતન કર્યું છે. કચ્છના મહારાવોએ શિલ્પ-સ્થાપત્ય, સંગીત, સાહિત્ય જેવા તમામ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. આઝાદી પુર્વે કચ્છ એવું રાજ્ય હતું જેને કોરી નામે પોતાનું ચલણ હતું. દેશના વિભાજન વખતે પણ કચ્છના રાજવી પરિવારનું વલણ ભારત પ્રત્યે સતત હતું. આ પરંપરાના પ્રહરી અને કચ્છની ધરતી, કચ્છની પ્રજા માટે સતત-સદા જાગૃત એવા મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાએ વખતોવખત અવાજ પણ ઊઠાવ્યો હતો.

માંધાતાસિંહજીએ જણાવ્યું કે, દેશદેવી, જાડેજાકુળના કુળદેવીમા આશાપુરાના મંદિરે આસો અને ચૈત્ર નવરાત્રિના પર્વની આઠમે પૂજા કરવા, જાતર ચડાવવા તેઓ નિયમીત જતા. કચ્છના દુષ્કાળ, ભૂકંપ જેવી આપત્તીઓ વખતે પણ લોકોને એમણે સધિયારો આપ્યો હતો. આવા એક વિરલ વ્યક્તિત્વની વિદાય કચ્છની પ્રજા માટે વસમી છે એવું રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ કહ્યું હતું અને જણાવ્યું હતું કે રાજકોટના રાજવી પરિવાર અને કચ્છના રાજવી પરિવારની વચ્ચે પણ વર્ષોથી ઘનીષ્ટ સંબંધ રહ્યો છે.

તેમની વિદાયના સમાચાર સમગ્ર કચ્છ, ગુજરાત અને દેશમાં ફરી વળતા અનેક નામાંકિત હસ્તીઓ, રાજ ઘરાનાના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભચાઉના સપૂત અને માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય તથા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ શોકાંજલી પાઠવી હતી.