Political/ રાજકીય વિશ્લેષણ/ બાગી અને માનીતાઓને સાચવવાનો હોદ્દો એટલે નાયબ મુખ્યમંત્રી પદ્દ, એક રાજ્યમાં તો આ સંખ્યા 5 ની છે

આંધ્રમાં પાંચ અને તેલંગણામાં ૪ અને બિહાર યુપીમાં બે-બે નાયબ મુખ્યમંત્રીઓ છે જ્યારે ગુજરાતમાં પણ એક તો છે જ. બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ. ત્યાં મુખ્યમંત્રી પદે નીતિશકુમારની

Top Stories Gujarat Assembly Election 2022 Mantavya Vishesh Politics
dy cm all states રાજકીય વિશ્લેષણ/ બાગી અને માનીતાઓને સાચવવાનો હોદ્દો એટલે નાયબ મુખ્યમંત્રી પદ્દ, એક રાજ્યમાં તો આ સંખ્યા 5 ની છે

@ વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક હિંમત ઠક્કરની કલમે…

આંધ્રમાં પાંચ અને તેલંગણામાં ૪ અને બિહાર યુપીમાં બે-બે નાયબ મુખ્યમંત્રીઓ છે જ્યારે ગુજરાતમાં પણ એક તો છે જ. બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ. ત્યાં મુખ્યમંત્રી પદે નીતિશકુમારની વરણી થઈ અને બે બે નાયબ મુખ્ય પ્રધઆનો ભાજપના છે. ૨૦૧૫માં નીતિશકુમાર મહાગઠબંધનના નેતા તરીકે મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમના પ્રધાનમંડળમાં નાયબ મુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવ (રાજદ) હતા.

નીતિશકુમારની એન.ડી.એ.માં વાપસી સાથે ભાજપના ટેકા સાથે જે સરકાર બની તેમાં નાયબ મુખ્યમંત્રી પદે ભાજપના વરિષ્ઠ અગ્રણી સુશીલ મોદી હતા. બિહારમાં તો નાયબ મુખ્યમંત્રી પદનો શીરસ્તો ઘણા વખતથી ચાલે છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને તેની ધારણા કરતાં વધુ બેઠકો મળી અને મુખ્યમંત્રી તરીકે એક – બે નહિં, પરંતુ આઠ દાવેદારો હતા. તેમાંના ત્રણ તો કેન્દ્રીય પ્રધઆનો હતા. પરંતુ ભાજપના મોવડી મંડળે, યોગી આદિત્યનાથને યુપીનું સુકાન સોંપ્યુ પણ મુખ્ય પ્રધાન પદના દાવેદારો પૈકી બે દિનેશ શર્મા અને મોર્યને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા.

himmat thhakar 1 રાજકીય વિશ્લેષણ/ બાગી અને માનીતાઓને સાચવવાનો હોદ્દો એટલે નાયબ મુખ્યમંત્રી પદ્દ, એક રાજ્યમાં તો આ સંખ્યા 5 ની છે

જો કે યુપીમાં અખિલેશ અને માયાવતીના શાસનમાં નાયબ મુખ્યમંત્રી પદે કોઈ નહોતું તે પણ હકિકત છે, તે પહેલા સપા બસપાના સંયુક્ત શાસનમાં એક નાયબ મુખ્યમંત્રી હતા.

દિલ્હીની પડોશમાં આવેલા હરિયાણામાં તાજેતરમાં ચૂંટણી યોજાઈ તેમાં ભાજપે દુષ્યંત ચોટાલાની પાર્ટીના ૧૦ ધારાસભ્યોના ટેકા સાથે સરકાર રચી અને ત્યાં દુષ્યંત ચોટાલાને નાયબ મુખ્યમંત્રી બનાવવા પડ્યા અને તેના એક સાથીદારને મુખ્યમંત્રી પદ પણ આપવું પડ્યું.

પાટનગર દિલ્હી કે જે પૂર્ણ રાજ્યના દરજ્જા માટે વર્ષોથી પ્રયાસો કરે છે, પણ ગમે તે કારણોસર તેને પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જો મળતો નથી. આ પ્રદેશમાં છેલ્લી ત્રણ ચૂંટણીથી આમ આદમી પાર્ટીની સરકાર છે. પહેલી ટર્મ ટુંકી હતી કારણ કે, આ સરકાર કોંગ્રેસના ટેકા સાથે રચાઈ હતી. લોકપાલના મુદ્દે કેજરીવાલે હોદ્દો તો છોડ્યો પણ સાથો સાથ વિધાનસભાનું વિસર્જન પણ કરાવ્યું.

૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં કેજરીવાલે પ્રચંડ બહુમતી મેળવી અને ૨૦૨૦ના પ્રારંભમાં યોજાયેલી ચૂંટણીમાં પોતાની તાકાતમાં પાંચ બેઠકોના ઘટાડા સાથે સત્તા જાળવી રાખી. દિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા હાલ પણ નાયબ મુખ્યમંત્રી પદ ભોગવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી ન મળી તમામ પ્રયાસ કરતા હતા ભાજપના દેવેન્દ્ર ફડનવીસે એનસીપીના અજીત પવારના ભરોસે સરકાર રચી અને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા પણ માત્ર ગણતરીના દિવસોમાં રાતોરાત બનાવાયેલી સરકાર તૂટી પડી. કારણ કે વરિષ્ઠ નેતા શરદ પવારે દાવ ખેલી ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ આપ્યું અને શીવસેના એન.સી.પી. અને કોંગ્રેસના બનેલા મહાઅધાડાની સરકાર ત્યાં અસ્તિત્વમાં છે અને અજીત પવારને ત્યાં નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું છે.

મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગોવામાં પણ નાયબ મુખ્યમંત્રી અસ્તિત્વમાં છે. ઉત્તરાખંડ અને છતીસગઢમાં પણ નાયબ મુખ્યમંત્રી છે. રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર રચી અને અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા અને સચિન પાયલોટને નાયબ મુખ્યમંત્રી બનાવાયા જો કે પાયલોટે બગાવતનો માર્ગ અપનાવતા ત્યાં તેમને પોતાનો હોદ્દો છોડવો પડ્યો હતો. આમ ભૂતકાળમાં પણ ત્રણ વખત રાજસ્થાનમાં નાયબ મુખ્યમંત્રી પદનો હોદ્દો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એવા ગુજરાતમાં નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યા બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા પરંતુ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીના ૧૦ માસ પહેલા ઉમરનું બહાનું આપી આનંદીબેને મુખ્યમંત્રી પદ છોડ્યું, ત્યારે એક તબક્કે નીતિન પટેલ તેના અનુગામી તરીકે દાવેદાર હતા. પરંતુ દિલ્હીથી છેલ્લી ઘડીએ જે ખેલ ખેલાયો તેના કારણે વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને મુખ્યમંત્રી પદના દાવેદાર નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી પદ અપાયું.

૨૦૧૭ની ચૂંટણીમાં સામાન્ય બહુમતી સાથે ભાજપના વિજય બાદ રૂપાણી ફરી મુખ્યમંત્રી બન્યા અને સાથો સાથ નીતિનભાઈ પટેલનું નાયબ મુખ્યમંત્રીપદ પણ જળવાઈ રહ્યું છે. ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી પદ નવું નથી.

ભાજપ સાથેનું જોડાણ તૂટ્‌યા બાદ રચાયેલી ચીમનભાઈ પટેલની જનતાદળ ગુજરાતની સરકારમાં પણ કોંગ્રેના સીડી પટેલ (સુરત) નાયબ મુખ્યમંત્રી હતા. તો ચીમનભાઈ પટેલ કોંગ્રેસમાં ભળ્યા અને તેમનું અચાનક નિધન થયું અને તેમની સરકારના નાણાપ્રધાન છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા, ત્યારે પણ ચીમનભાઈ પટેલના નિકટના સાથીદાર નરહરી અમીનને નાયબ મુખ્યમંત્રી પદનો હોદ્દો અપાયો હતો.  નરહરિ અમીન ભાજપમાં ભળ્યા બાદ તેઓ ગુજરાતના આયોજન પંચના ઉપાધ્યક્ષ બન્યા હતા અને હાલ તેઓ રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદ છે.

દક્ષિણના રાજ્યોમાં કેરળ અને પોંડીચેરીને બાદ કરતા બાકીના રાજ્યોમાં એક યા બીજા પ્રસંગોએ કોંગ્રેસ યા બીન કોંગ્રેસી પક્ષોની સંયુક્ત સરકાર સમયે નાયબ મુખ્યમંત્રીપદનો હોદ્દો મેળવે છે.  કર્ણાટકમાં જનતાદળ (એસ)ના કુમાર સ્વામીની આગેવાની હેઠળ સંયુક્ત સરકાર રચાઈ તેમાં કોંગ્રેસના ભાગે નાયબ મુખ્યમંત્રી પદનો હોદ્દો આવ્યો હતો. જો કે અત્યારે યેદીયુરપ્પાની સરકારમાં કોઈ નાયબ મુખ્યમંત્રી નથી.

તેના પડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સાથે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જગન મોહન રેડીની આગેવાની હેઠળના પક્ષે તોતીંગ બહુમતી મેળવી. હાલ તેમના પ્રધાન મંડળમાં એક બે નહિ પરંતુ પાંચ નાયબ મુખ્યમંત્રીઓ છે જે વિક્રમ સમાન બાબત છે તેવું સહેલાઈથી કહી શકાય.

ભૂતકાળની આંધ્ર સરકારોમાં પણ એકથી વધુ વખત નાયબ મુખ્યપ્રધાનો હતા. સંયુક્ત આંધ્રપ્રદેશમાંથી જેનું સર્જન થયેલું છે તે નાનકડા છતાં મજબુત ગણાતા રાજ્ય તેલંગણામાં પણ ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની તેલંગણા સરકારમાં પણ ચાર નાયબ મુખ્યપ્રધાનો છે ત્યાં પણ રાવ સરકારની તોતીંગ બહુમતી છે અને તેમણે ભાજપ ઉપરાંત ચંદ્રાબાબુ નાયડુના ટીડીપી અને કોંગ્રેસના કહેવાતા અને ક્ષણજીવી ગઠબંધનને ધોબી પછડાટ આપીને સત્તા કબ્જે કરી છે.

સીક્કીમ અને મણિપુર જેવા બે નાના રાજ્યોમાં પણ નાયબ મુખ્યમંત્રીઓ છે. આઝાદી પછીના ગાળામાં કેન્દ્ર સરકારમાં પણ નાયબ વડાપ્રધાન હતા. આઝાદી પછીની સરકારમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહખાતાની સાથે નંબર બેની જવાબદારી સંભાળી હતી કોંગ્રેસના ટેકાવાળી અને ૧૩ દિવસ ચાલેલી ચરણસિંઘ સરકારમાં પણ નાયબ વડાપ્રધાનનો હોદ્દો નહોતો પણ કોંગ્રેસના નેતાઓ નાયબ વડાપ્રધાન પદ જેવી સત્તા ધરાવતા હતા જ્યારે ૧૯૯૮થી બે તબક્કે રચાયેલી ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એન.ડી.એ. સરકારમાં પણ એલ.કે. અડવાણીને નાયબ વડાપ્રધાનનો હોદ્દો અપાયો હતો.

બંધારણમાં નાયબ વડાપ્રધઆન કે રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રી પદના હોદ્દાની જાેગવાઈ નથી પરંતુ રાજકારણીઓ પોતાની સગવડતા ખાતર અને પોતાની સરકાર સરળતાથી ચાલતી રહે તે માટે આ હોદ્દો ઉભો કરતા રહ્યા છે અને આજે પણ આ પરંપરા જળવાઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…