અમદાવાદ,
દરિયાના ખારા પાણીમાંથી પ્રતિદિન 10 કરોડ લીટર મીઠું પીવાનું પાણી બનાવવાની ક્ષમતા ધરાવતો ગુજરાતનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ જામનગર જિલ્લાના જોડીયામાં કાર્યાન્વિત થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ અને એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેકટસ લિમિટેડ વચ્ચે આજે ગાંધીનગરમાં આ પ્રોજેકટ માટે સમજૂતિ કરાર થયા હતા.
મુખ્યમંત્રી રૂપાણીએ આજનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ બની રહેશે એમ કહીને જણાવ્યું હતું કે, ગુજરાત પાણીની અછતવાળું રાજ્ય નહીં પણ પુરતા પાણીવાળું રાજ્ય બને એ માટે રાજ્ય સરકારે અનેક પગલાં ભર્યા છે.
દરિયો ધરતી તરફ આગળ વધી રહ્યો છે એમ કહેવાય છે, પરંતુ દરિયાના ખારા પાણીને મીઠું બનાવીને આપણે દરિયાને પાછો ધકેલવો છે. આવનારી પેઢીને કયારેય ‘દુષ્કાળ’ શબ્દ ન સાંભળવો પડે એ રીતે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આપણે દુકાળને ભૂતકાળ બનાવવો છે.

જામનગર જિલ્લાના જોડીયા ખાતે દૈનિક ૧૦ કરોડ લીટર દરિયાના ખારા પાણીને ડી-સેલીનેશન દ્વારા મીઠું પીવાનું પાણી બનાવવાના પ્રોજેકટ માટે આજે રાજ્ય સરકારે એમ.ઓ.યુ. કર્યા પછી આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આ પ્રોજેકટનો શિલાન્યાસ કરાશે એવી જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં તામિલનાડું પછી ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે, જયાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેકટ શરૂ કરાશે. ગુજરાત પાસે લાંબો દરિયા કિનારો છે, આટલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને ગુજરાતનો પાણીનો પ્રશ્ન કાયમ માટે હલ કરીને ગુજરાતને જળ સલામતિ પુરી પાડવાનું મારૂં સ્વપ્ન છે.

વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક વસતીની જરૂરિયાતને ધ્યાને લઇને ગુજરાતમાં વિવિધ ક્ષમતા ધરાવતા બીજા પણ ડી-સેલીનેશન પ્લાન્ટ પ્રસ્થાપિત કરાશે. રાજ્ય સરકારનું જોડીયા ઉપરાંત પોરબંદર, દ્વારકા, વેરાવળ અને ઘોઘા (ભાવનગર) ખાતે પણ દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવાના પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું આયોજન છે. આ માટે અમલીકરણના ભાગરૂપે સાઇટ સર્વેક્ષણ ફિઝીબિલીટી તથા ટેકનો-ઇકોનોમીકલ અભ્યાસની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરાશે.
- દરિયાનું ખારૂં પાણી પીવા માટે મીઠું પાણી કેવી રીતે બનશે.
જામનગર જિલ્લાના જોડીયા ખાતે ૧૦૦ એમ.એલ.ડી. એટલે કે દૈનિક ૧૦ કરોડ લીટર ક્ષમતાનો સી.વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ બનશે. જેમાં દરિયાથી પ્લાન્ટ સુધીની કનેકટીંગ પાઇપલાઇન, પંપીંગ મશીનરી, ર૦ એમ.એલ. (ર કરોડ લીટર) ક્ષમતાનો આર.સી.સી. સંપ બનાવવામાં આવશે.
ગુજરાતના દરિયાકિનારે પ્રાપ્ત પાણીની ખારાશ (ટી.ડી.એસ.) ૩૫,૦૦૦ પી.પી.એમ.થી લઇને ૬૦,૦૦૦ પી.પી.એમ. સુધીની છે. જેને મીઠું બનાવવા રીવર્સ ઓસ્મોસીસ પદ્ધતિની ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરિયાના ખારા પાણીને ઇન્ટેકમાંથી પાઇપલાઇન દ્વારા પ્લાન્ટ સુધી લવાશે.
પાણીમાં તરતી અશુદ્ધિઓ દૂર કરવા ફિલ્ટરમાંથી પસાર કરાશે. પાણીની પી.એચ.વેલ્યુ જાળવવા માટે રાસાયણિક પ્રક્રિયા પણ કરવામાં આવશે.
પાણીની ડહોળાશ અને ભારે અશુદ્ધિઓ દૂર કરવા સેટલમેન્ટ ટેન્કમાં રાખી સેન્ડ ફિલ્ટરમાંથી પસાર કરીને રીવર્સ ઓસ્મોસીસ મેબ્રેન (થીમ ફીલ્મ એસીટેટ મેમ્બ્રેન)માંથી ૭૦ kg/cm2 દબાણે પસાર કરાશે. જેનાથી પાણીમાં ઓગળેલી તમામ ખારાશ દૂર થશે.
આ રીતે ડી મીનરલાઇઝ થયેલા પાણીમાં મીનર લાઇઝેશન કરવા હેતું કેલ્સીયમ અને મેગ્નેશીયમ જેવા વિવિધ પોષક તત્વો ઉમેરવામાં આવશે. જેથી પીવાલાયક ૫૦૦થી ઓછા ટી.ડી.એસ.વાળું પાણી બનશે. જેને શુદ્ધ પાણીના ટાંકામાં ભેગું કરવામાં આવશે.

આ શુદ્ધ થયેલ રોજનું ૧૦ કરોડ લીટર પાણી મેળવીને જોડિયાથી પાઇપલાઇન દ્વારા હીરાપર ખાતે લાવવામાં આવશે ત્યાંથી પાણી પુરવઠા ગ્રીડના નેટવર્કથી રાજકોટ, જામનગર શહેર તેમજ બંને જિલ્લાના ગામો તેમજ મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને પાઇપલાઇન દ્વારા અપાશે.
રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડમાં દૈનિક ૧૦ કરોડ લીટર પાણીનો વધારો થતાં રાજકોટ, જામનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે પીવાના પાણી આરક્ષિત કરીને જળ સલામતીમાં વધારો કરી શકાશે. આ પ્રોજેકટમાં કન્સેશન પીરીયડ ર૫ વર્ષનો રાખવામાં આવ્યો હોઇ આગામી ર૫ વર્ષ સુધી ડી-સેલીનેશન પ્લાન્ટથી પીવાનું પાણી મેળવાશે.
