RELATIONSHIP: ભારતીય પરંપરાગત પરિવારોમાં નણંદ-ભાભીનો સંબંધ ઘણાં બધા અનોખા રંગે રંગાયેલો હોય છે. ક્યારેક આ સંબંધ મા-દીકરી જેવો લાગવા લાગે છે, ક્યારેક બહેનોની જેમ હેતાળ તો કોઈ વાર બહેનપણીઓ જેવો પણ ખરો! પરંતુ ઘણી વાર, નાની-નાની વાતોમાં ગેરસમજણ વધી જાય છે અને સંબંધમાં ખાઇ ઊભી થવા લાગે છે. જો બંને પાત્રો થોડી સમજદારી અને આત્મીયતાપૂર્વક વર્તે તો, આ સંબંધ સૌથી વિશેષ અને મજબૂત બની શકે છે. અહિં આપણે એવી 5 બાબતો પર લક્ષ્ય આપીશું કે જે, નણંદ તથા ભાભીના સંબંધને સુદ્રઢ બનાવી શકે છે.

સરખામણી કરવાનું ટાળો, એકબીજાને અપનાવો
સંબંધોમાં સૌથી વધુ કડવાશ ત્યારે જ પેદા થાય છે, જ્યારે આ બંને પાત્રો સરખામણીની હોડમાં ઉતરી જાય છે. જેમ કે, ‘મારી સહેલીની ભાભી તો આવી છે’ અથવા ‘તમારી બહેન તો આવું કરે છે’- આવી તુલના કરવાથી બચવું જોઇએ. દરેક વ્યક્તિત્વ ભિન્ન હોય છે તથા એ ના ભૂલવું જોઇએ કે, દરેક સંબંધને પ્રેમના તાંતણે જ બાંધી શકાય છે.

ખૂલીને કરો વાત, મનમાં ભરી ન રાખો ફરિયાદ
મોટા ભાગે ભાભી અથવા નણંદ એકબીજા સાથે કોઈ બાબત અંગે વાત કરે ત્યારે, સામેનું પાત્ર એનો મનઘડત અર્થ કાઢવા લાગે છે. એવા સંજોગોમાં ચૂપ રહેવાને બદલે, વાતચીત કરીને દરેક ગેરસમજને દૂર કરી શકાય છે. જ્યારે સંવાદ સધાય ત્યારે ગેરસમજણ છૂમંતર થઇ જાય છે. જે પ્રમાણે પોતાની સહેલી સાથે સંવાદ કરીને સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે અને દોસ્તીને પ્રગાઢ બનાવી શકાય છે, એ રીતે જ નણંદ-ભાભીએ પણ પરસ્પર વર્તવું જોઇએ.
ભાભી રસોડામાં કામ કરતી હોય તો નણંદ રસોઇના બનાવવામાં મદદ કરી શકે છે, એ જ રીતે નણંદ ઑફિસ કે કૉલેજ જતી હોય, તો ભાભી એનું ટિફિન તૈયાર કરી શકે છે. આ નાની-નાની વસ્તુઓ ફક્ત કામ નહિં, પરંતુ પ્રેમ અને સહકારનું પ્રતીક બની જાય છે. નણંદ તથા ભાભી, બંનેએ એકમેક સાથે ચડસાચડસી કરવાને બદલે એકબીજાની સપોર્ટર કે સ્ટ્રેન્થ બનવાનો પ્રયાસ કરવો જોઇએ.

એકબીજાને સરપ્રાઇઝ અને કોમ્પ્લિમેન્ટ આપો
વારે-તહેવારે, જન્મ દિવસે અથવા કોઈ પ્રસંગ વિના અમસ્તું જ, એક નાનકડી ચૉકલેટ કે પછી ઉપહાર આપવાથી સંબંધોનું માધુર્ય વધે છે. ‘તમે આજે ખૂબ સુંદર લાગો છો’- જેવા સરળ શબ્દોમાં કરેલી પ્રશંસા પણ કામ કરી જાય છે.
થોડી ધીરજ અને સમજદારી
દરેક સંબંધમાં ચડતી-પડતી આવે જ છે, પરંતુ નાની-નાની વાતો પર પ્રતિક્રિયા ન આપતાં થોડા સંયમ અને ધીરજથી વર્તો તો સંબંધ આપમેળે ગાઢ થતો જશે. એટલા જ માટે, સંબંધના નાજુક તબક્કે ધૈર્ય રાખીને પરસ્પર તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરો.
નણંદ-ભાભીનો સંબંધ બની શકે છે સવિશેષ
નણંદ-ભાભીનો સંબંધ ફક્ત એક ઔપચારિક સંબંધ નથી, પણ એક એવું અનોખું સગપણ છે કે જેને આપણે ઇચ્છીએ તો સગી બહેનોથીયે અધિક સ્નેહાળ બનાવી શકીએ એમ છીએ. જરુર છે તો માત્ર થોડી સહનશીલતા, થોડા સ્નેહ અને ઢગલાબંધ આત્મીયતાની! જ્યારે બંને પક્ષેથી પહેલ થશે ત્યારે સંબંધ આપમેળે જ ગાઢ અને અતૂટ બનતો જશે.
આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.
આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે
