Lifestyle: શું તમે પણ ભીડાને ક્રંચી અને સ્પાઇસી બનાવવા માંગો છો? તો અમે તમારા માટે એક અત્યંત સરળ રેસિપી લઇને આવ્યા છીએ, આ મજેદાર રેસિપીને તમારે ચોક્કસ ટ્રાય કરવી જ જોઇએ.
ઘણા બધા લોકોને ભીંડાનું શાક એટલું બધુ ભાવતું હોય છે કે, દર બીજા દિવસે એમની ફરમાઇશ હોય જ છે!! પરંતુ, બહાર ઢાબા કે રેસ્ટોરન્ટ પર મળે છે એવા કુરકુરા અને મસાલેદાર ભીંડા ઘરે નથી બનતા એ ગૃહિણીઓની ચિંતાનો વિષય છે! પરંતુ, હવે ફિકર ન કરશો કારણ કે, અમે તમારા માટે એક અત્યંત સરળ રેસિપી લઇને આવ્યા છીએ, આ મજેદાર રેસિપીને તમારે ચોક્કસથી ટ્રાય કરવી જ જોઇએ.
ક્રંચી અને સ્પાઇસી ભીંડાનું શાક બનાવવા માટે તમારે આટલી સામગ્રીની જરુર પડશે.

સામગ્રી
500 ગ્રામ ભીંડા
7-8 ચમચી ચણાનો લોટ
4 ચમચી ચોખાનો લોટ
1 નાની ચમચી હળદર
2 નાની ચમચી લાલ મરચું
2 નાની ચમચી ધાણાજીરું
1 ચમચી ગરમ મસાલો
1 નાની ચમચી ચાટ મસાલો
સ્વાદાનુસાર મીઠું
તળવા માટે તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ ભીંડાને સારી રીતે ધોઇ લેવા અને એક સ્વચ્છ કપડાથી લૂછી લેવા. હવે ભીંડા તદ્દન કોરા થઇ જાય ત્યારે, એના ડીંટા કાપી લેવા અને વચ્ચેથી લંબાઇમાં સમારી લેવા.
2. હવે એક વાડકામાં ચણાનો લોટ, લાલ મરચું, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો તથા મીઠું મિક્સ કરી લો. ચાટ મસાલો પણ ઉમેરવાનો હોવાથી મીઠું વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવું.
3. આ તમામ મસાલાને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ, સમારેલા ભીંડાને આ મસાલા સાથે રગદોળી લો.
4. જો ભીંડા પર આ મસાલો બરાબર ચોંટે નહિં તો તમે થોડું પાણી છાંટી શકો છો.
5. એક કડાઈમાં તેલ ગરમ કરી લો. તેલ બરાબર ગરમ થાય એટલે એમાં મસાલાનું કોટિંગ કરેલા ભીંડાને સોનેરી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

6. આ કુરકુરા અને મસાલેદાર ભીંડાને ટિશ્યૂ પેપર પર કાઢી લો. છેલ્લે એની ઉપર થોડો ચાટ મસાલો ભભરાવી દેવો.
હવે જ્યારે પણ ભીંડા ખાવાનું મન થાય ત્યારે આ મજેદાર રેસિપીને ફૉલો કરો. એકદમ ક્રિસ્પી અને સ્પાઇસી ભીંડાનું શાક બનાવીને તમે તમારા ઘરના લોકોના દિલ અવશ્ય જીતી લેશો!
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
