Tech News/ સીસીટીવી ટેકનોલોજી પાછળનું રહસ્ય! જર્મન રોકેટ લોન્ચિંગ સાથે જોડાયેલો છે આ સુરક્ષા કેમેરાનો ઈતિહાસ

CCTV ટેકનોલોજીની શરૂઆત 1942 માં જર્મનીમાં એન્જિનિયર વોલ્ટર બ્રુચ દ્વારા V-2 રોકેટ લોન્ચિંગના નિરીક્ષણ માટે કરવામાં આવી હતી. 1949 માં તે કોમર્શિયલ ધોરણે ઉપલબ્ધ થઈ અને 1970 માં VCR ની શોધ બાદ રેકોર્ડિંગ સુવિધા સાથે તે વધુ લોકપ્રિય બની. આજે આ ટેકનોલોજી AI અને ડિજિટલ મોનિટરિંગ સાથે સુરક્ષા માટે અનિવાર્ય સાધન બની ગઈ છે.

Trending Tech & Auto
CCTV

Tech History: આજે આપણે રસ્તાઓ, ઓફિસો અને ઘરોમાં જે સીસીટીવી (CCTV) કેમેરા જોઈએ છીએ, તેનો ઈતિહાસ ઘણો જૂનો અને રોમાંચક છે. સીસીટીવી એટલે કે ‘ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન’. જે કેમેરા આજે આપણી સુરક્ષા માટે અનિવાર્ય બની ગયા છે, તેની શરૂઆત સુરક્ષા માટે નહીં પરંતુ વિજ્ઞાન અને યુદ્ધના ક્ષેત્રમાં થઈ હતી. આ ટેકનોલોજીનો વિકાસ રોકેટ લોન્ચિંગના નિરીક્ષણથી શરૂ થઈને આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુધી પહોંચી છે. સીસીટીવીના ઉદભવ અને વિકાસના મહત્વના તબક્કા.

CCTV

જર્મનીમાં રોકેટ ટેસ્ટિંગ સાથે શરૂઆત (1942):

CCTV ટેકનોલોજીનો ઉદ્ભવ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો. જર્મન એન્જિનિયર વોલ્ટર બ્રુચ (Walter Bruch) એ 1942 માં વિશ્વની પ્રથમ સીસીટીવી સિસ્ટમ તૈયાર કરી હતી. તેનો મુખ્ય હેતુ ‘V-2 રોકેટ’ ના લોન્ચિંગને સુરક્ષિત અંતરેથી નિહાળવાનો હતો. તે સમયે કોઈ રેકોર્ડિંગની સુવિધા નહોતી, માત્ર લાઈવ મોનિટરિંગ જ શક્ય હતું.

CCTV

કોમર્શિયલ ઉપયોગની શરૂઆત (1949):

યુદ્ધ પછી સીસીટીવી ટેકનોલોજી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ. 1949 માં અમેરિકન કંપની વેરિકોન (Vericon) એ પ્રથમ કોમર્શિયલ સીસીટીવી સિસ્ટમ લોન્ચ કરી. જોકે તે સમયે પણ તેમાં રેકોર્ડિંગની સુવિધા નહોતી, તેથી કોઈ વ્યક્તિએ સતત સ્ક્રીન સામે બેસીને મોનિટરિંગ કરવું પડતું હતું.

CCTV

VCR અને રેકોર્ડિંગ ક્રાંતિ (1970-1980):

1970 ના દાયકામાં વીડિયો કેસેટ રેકોર્ડર (VCR) ની શોધે સીસીટીવીની દુનિયા બદલી નાખી. હવે સુરક્ષા એજન્સીઓ અને બેંકો ફૂટેજને રેકોર્ડ કરી શકતી હતી અને જરૂર પડે ત્યારે તેને પાછળથી જોઈ શકતી હતી. આ સમયગાળામાં બેંકો અને મોટા મોલ્સમાં સીસીટીવીનો ઉપયોગ ઝડપથી વધ્યો.

CCTV

હોમ સિક્યુરિટી સિસ્ટમની શોધ: (CCTV)

સીસીટીવીને ઘર સુધી પહોંચાડવાનો શ્રેય મેરી વેન બ્રિટન બ્રાઉન (Marie Van Brittan Brown) ને જાય છે. તેમણે 1969 માં પ્રથમ હોમ સિક્યુરિટી સિસ્ટમની પેટન્ટ કરાવી હતી. આ સિસ્ટમમાં કેમેરા, સ્પીકર અને એલાર્મની સુવિધા હતી, જેનાથી તે સમયની સુરક્ષા વ્યવસ્થામાં ક્રાંતિ આવી હતી.

CCTV

ડિજિટલ યુગ અને AI (1990 થી આજ સુધી):

1990 ના દાયકામાં ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) ની એન્ટ્રી થઈ, જેનાથી ટેપની ઝંઝટ ખતમ થઈ અને ડેટા સંગ્રહ સરળ બન્યો. આજે આપણે IP કેમેરા, ક્લાઉડ સ્ટોરેજ અને AI આધારિત CCTV કેમેરા વાપરીએ છીએ જે ચહેરાની ઓળખ (Facial Recognition) અને ઓટોમેટેડ એલર્ટ્સ જેવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડે છે. રોકેટની ગતિવિધિ ચેક કરવા માટે બનેલી આ ટેકનોલોજી આજે ગુનાખોરી ડામવા માટેનું સૌથી મોટું હથિયાર બની ગઈ છે.


આ પણ વાંચો:Chrome વાપરનારાઓ માટે ભારત સરકારની હાઈ-રિસ્ક ચેતવણી, હેકર્સ કરી શકે છે તમારા ડેટાની ચોરી

આ પણ વાંચો:બાળકોને ખોટા રસ્તે જતા અટકાવશે Instagram! જાણો શું છે નવું ફીચર અને પેરેન્ટ્સ કેવી રીતે રાખી શકશે નજર

આ પણ વાંચો:એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળી ગંભીર ખામી, તમારા પર્સનલ ડેટાને બચાવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ