રાજય માં કોરોના કેસ હવે ધીમે ઘટતા જોવા મળી રહ્યા છે .આ વખતે કોરોના ની આ લહેરમાં અનેક બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે .ત્યારે આવો એક જ કિસ્સો ભાવનગર થી સામે આવ્યો છે જેમાં આ વસમા સમયમાં પણ ભાવનગરની માત્ર સાત માસની દિકરી અનન્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમણ અને ગંભીર સર્જરીનો સામનો કરીને મોત સામેનો જંગ જીતીને ફરી હસતી રમતી થઈ છે.
ભાવનગરમાં રહેતા દિનેશભાઇ અને પિન્કીબહેન રાજપૂતની સાત મહિનાની દિકરી અનન્યાને કુદરતી હાજતે જવામાં તકલીફ પડી રહી હતી. અંદરના દબાણથી પેટ પણ ફૂલી જવાની ની અને ભારે તાવની પણ સમસ્યા હતી. વધુમાં 4-5 દિવસથી ઊલટીઓ પણ થતી હતી. અનન્યાની તકલીફોની ગંભીરતાને ધ્યાનમાં લઇને ભાવનગરના તબીબોએ અનન્યાને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવા જણાવ્યું હતું.
અમદાવાદ સિવિલમાં બાળકીને બાળ ચિકીત્સા શસ્ત્રક્રિયા વિભાગમાં દાખલ કરાઈ હતી. અહીં સૌથી પહેલા તેને સ્ટેબિલાઇઝ કરાઈ અને સાથોસાથ તેના વિવિધ ટેસ્ટ્સ હાથ ધરાયા હતા. અનન્યાનું હિમોગ્લોબિન નીચું હતું. રિપોર્ટમાં ileoileocolic intussusception હોવાનું જણાયુ હતું. જેના કારણે પેટ ફુલી જાય અને ઉલટીઓ થવા લાગી હોવાનું નિદાન થયું હતું. અધૂરામાં પૂરું બાળકીનો કોવિડ-19નો RT-PCR ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો.
સિવિલ હોસ્પિટલના બાળ ચિકીત્સા શસ્ત્રક્રિયા વિભાગના વડા અને એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ 3થી લઇને 8 મહિનાની વયના બાળકોમાં આંતરડાને લગતો અવરોધ સર્જાવા પાછળ ઇન્ટુસસસેપ્શન એ સૌથી સર્વસામાન્ય કારણ છે. શરૂઆતમાં સર્જરી વિના તેનો ઇલાજ થઈ શકે છે, પણ જ્યારે બાળકમાં 2-3 દિવસથી આના લક્ષણો હોય તો સર્જરી આવશ્યક બની જાય છે.
ડૉ. જોષીએ ઉમેર્યું કે આ બાળકીની સ્થિતિ કોવિડ-19ના કારણે ગંભીર હતી. આવા કિસ્સામાં સર્જરી અને રિકવરી વધુ પડકારદાયક બની જાય છે કારણકે કોવિડ-19થી ઇન્ફેક્શન વધી શકે છે. આ કિસ્સામાં સર્જરી દરમિયાન એક્સ્પર્ટ એનેસ્થેટિક મેનેજમેન્ટ, મેટિક્યુલસ કૅર તથા ઓપરેશન બાદ નિષ્ણાતોની ટીમ દ્વારા અપાતી ક્રિટિકલ પિડીયાટ્રિક ઇન્ટેન્સિવ કૅર સહિતનો બહુઆયામી અભિગમ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે.
