Ahmedabad News: અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાનામાં જુગાર (Gambling Case)ની પ્રવૃત્તિ સામે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. કેસમાં 191 આરોપીઓ ઝડપાયા બાદ નિકુંજ ખત્રીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
મનપસંદ જીમખાના જુગાર કેસ (Gambling Case)માં જામીન અરજી રદ
સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં જુગાર પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઝડપાયા હતા. આ કેસના સંદર્ભમાં નિકુંજ ખત્રીએ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, કોર્ટ દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી છે. કોર્ટે નોંધ્યું કે અરજદારની ગુનાહિત પ્રવૃત્તિમાં ભૂમિકા અને જુગારીઓને સવલતો પૂરી પાડવા અંગે તપાસમાં ગંભીર બાબતો સામે આવી રહી છે. તપાસ ચાલુ હોવાથી કોર્ટ દ્વારા આગોતરા જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો.
જીમખાનામાં કોઈ હોદ્દો ન હોવાનો આરોપીનો દાવો
અરજદાર તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે નિકુંજ ખત્રી મનપસંદ જીમખાનામાં કોઈ હોદ્દો ધરાવતા નથી. તેમની તરફથી જણાવાયું હતું કે બિલ્ડિંગ 11 મહિના અને 29 દિવસના ભાડા કરારથી મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યું હતું. આ કરારમાં બિલ્ડિંગનો ઉપયોગ કરતી વખતે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ (Illegal Activity) નહીં કરવાની શરત હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. અરજદાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે.
આ ઉપરાંત આગોતરા જામીન આપવાની માગ સાથે અરજદાર તરફથી કોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે તપાસ અધિકારી જ્યારે પણ જરૂરી સમજે ત્યારે તેઓ હાજર રહેશે.
પોલીસનો દાવો- બિલ્ડિંગમાં 33 ટકા હિસ્સો
પોલીસ તરફથી કોર્ટમાં અરજદારની રજૂઆતનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ નિકુંજ ખત્રીનો બિલ્ડિંગમાં 33 ટકા હિસ્સો છે. તપાસ દરમિયાન સામે આવેલી વિગતો રજૂ કરતાં પોલીસ તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે મનોરંજનની આડમાં જુગાર રમાડવા માટે ભાડા પેટે 18 હજાર ચેકથી અને 55 હજાર રોકડમાં મેળવવામાં આવતા હતા. પોલીસે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે આ કેસમાં અત્યાર સુધી કુલ 191 આરોપીઓની અટકાયત (Arrested Accused) કરવામાં આવી છે. કેસની તપાસ હજુ ચાલુ હોવાથી આરોપીની ભૂમિકા અંગે વધુ તપાસ જરૂરી હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું.
કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાનું કોર્ટે નોંધ્યું
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે કેસની ગંભીરતા અને અત્યાર સુધીની તપાસને ધ્યાનમાં લીધી હતી. કોર્ટે પ્રથમ દર્શનીય રીતે નોંધ્યું કે અરજદારની કથિત ગુનાહિત પ્રવૃત્તિમાં મહત્વની ભૂમિકા હોવાની બાબત તપાસમાં સામે આવી રહી છે. કોર્ટે એ પણ નોંધ્યું કે અરજદાર સામે અગાઉ અન્ય બે ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં તેમની કસ્ટોડિયલ પૂછપરછ (Custodial Interrogation) જરૂરી હોવાનું પણ કોર્ટે માન્યું હતું.
કોર્ટના અવલોકન મુજબ તપાસ હજુ ચાલુ છે અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા હાલ આગોતરા જામીન આપવાનું યોગ્ય જણાતું નથી. આ આધારે નિકુંજ ખત્રીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો: ભોજદે ગીરના રિસોર્ટમાં જુગારધામનો પર્દાફાશ, 9 જુગારી ઝડપાયા
આ પણ વાંચો: અમદાવાદ મનપસંદ જીમખાના જુગારકાંડમાં DGPનીકાર્યવાહી, 3 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
આ પણ વાંચો: સુરતની હોટેલમાં જુગારધામનો પર્દાફાશ, 29 ઝડપાયા; ₹24.13 લાખનો મુદ્દામાલ જપ્ત
