Gir Somnath News/ ભોજદે ગીરના રિસોર્ટમાં જુગારધામનો પર્દાફાશ, 9 જુગારી ઝડપાયા

Gir Somnath: ગીર સોમનાથના ભોજદે ગીર વિસ્તારમાં રિસોર્ટની આડમાં ચાલતા જુગારધામ પર LCB અને તાલાલા પોલીસે દરોડો પાડી 9 જુગારી સહિત 10ને ઝડપી લીધા.

Gujarat Top Stories
Gir Somnath:

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. ભોજદે ગીર વિસ્તારમાં રિસોર્ટની આડમાં ચાલતા જુગારધામ પર LCB અને તાલાલા પોલીસે સંયુક્ત દરોડો પાડી 10 લોકોને ઝડપી લીધા છે. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઈલ સહિત કુલ રૂ. 6.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે ભોજદે ગીરની સીમમાં આવેલા ‘કેરીના રિસોર્ટ’માં તપાસ હાથ ધરી હતી. દરમિયાન રિસોર્ટના ત્રીજા માળે આવેલા રૂમ નંબર 302માં કેટલાક લોકો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે કાર્યવાહી કરી અમદાવાદના 9 વ્યક્તિઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા.

આ ઉપરાંત રિસોર્ટના મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મેનેજર બહારથી લોકોને બોલાવી જુગાર રમવાની વ્યવસ્થા કરતો હતો અને તેના બદલામાં ‘કમિશન’ વસૂલતો હતો. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

ભોજદે ગીર વિસ્તાર ગીરના જંગલની નજીક હોવાથી અહીંની પ્રવૃત્તિઓને લઈને તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે. આવા વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં જુગારની પ્રવૃત્તિ સામે આવતાં સ્થાનિક સ્તરે પણ અનેક સવાલો ઊભા થયા છે.

ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા અગાઉ પણ નિયમોનો ભંગ કરતા રિસોર્ટ અને ફાર્મ હાઉસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 20થી વધુ મિલકતો સીલ કરાયા બાદ 54થી વધુ શરતભંગના આદેશ પણ કરવામાં આવ્યા હતા.

હવે ભોજદે ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાતા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પ્રવાસન સ્થળોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક નજર રાખવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને શ્રાવણ માસમાં ગીર વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યા વધતી હોવાથી આવી પ્રવૃત્તિઓને અટકાવવા તંત્ર માટે પડકાર વધુ મહત્વનો બન્યો છે.


આ પણ વાંચો: સુરતની હોટેલમાં જુગારધામનો પર્દાફાશ, 29 ઝડપાયા; ₹24.13 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: હારીજમાં જુગારધામ પર SMC ત્રાટક્યું: અમદાવાદ-બેચરાજીથી આવેલા જુગારીઓ સહિત 28 ઝડપાયા

આ પણ વાંચો: અમદાવાદ ન્યુ રાણીપમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, 8 ઝડપાયા; રૂ.38.15 લાખનો મુદ્દામાલ જપ્ત