Entertainment News/ મેલબોર્નમાં રાની મુખર્જીનો ડંકો, ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીએ ‘ડોક્ટરેટ’ની પદવી આપતા સ્ટેજ પર જ ભાવુક થઈ ગઈ એક્ટ્રેસ

બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી (Rani Mukerji) ને ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવી છે. શાહરુખ ખાન બાદ આ ગૌરવ મેળવનારી તે બીજી ભારતીય કલાકાર બની છે.

Entertainment
Rani Mukerji A major honor in Melbourne

Entertainment News : બોલિવૂડની દમદાર એક્ટ્રેસ રાની મુખર્જી (Rani Mukerji)એ વિદેશની ધરતી પર ભારતનું નામ રોશન કરીને પોતાની સફળતામાં વધુ એક ગોલ્ડન ચેપ્ટર ઉમેર્યું છે. ઓસ્ટ્રેલિયામાં આયોજિત ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) 2026 દરમિયાન મેલબોર્નની પ્રખ્યાત લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા રાનીને ‘ડોક્ટરેટ ઓફ લેટર્સ’ (D.Litt) ની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવી હતી.

આ ગૌરવપૂર્ણ ક્ષણે રાની ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા. ભારતીય સિનેમામાં ત્રણ દાયકાનું યોગદાન આપવા સાથે મહિલાઓ, બાળકો અને સામાજિક અધિકારો માટે સતત અવાજ ઉઠાવવા બદલ તેને આ વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.

Rani Mukerji : શાહરુખ ખાન પછી આ સિદ્ધિ મેળવનારી બીજી ભારતીય કલાકાર

ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી (Australian University)તરફથી આ સર્વોચ્ચ સન્માન મેળવનારી રાની મુખર્જી બોલિવૂડની બીજી હસ્તી બની ગઈ છે. આ અગાઉ વર્ષ 2019 માં બોલિવૂડના કિંગ શાહરુખ ખાનને તેમની ફિલ્મ કારકિર્દી અને સામાજિક કાર્યો માટે લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી આપવામાં આવી હતી. રાનીએ આ સન્માનને તેના જીવનની સૌથી વિનમ્ર અને ગૌરવશાળી ક્ષણ ગણાવી હતી.

RANI JI

બાળપણના સ્વપ્નથી લઈને સિનેમાની અદભુત સફર

એવોર્ડ સ્વીકારતા રાનીએ પોતાની ફિલ્મી સફરને યાદ કરતા જણાવ્યું કે, બાળપણથી જ તેનું એક જ સપનું હતું કે તે માતા-પિતા અને દેશનું નામ રોશન કરે. તેણે હંમેશાં પડકારજનક ભૂમિકાઓ પસંદ કરી છે અને એવી સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે જે લોકોના દિલને સ્પર્શે અને સમાજમાં સકારાત્મક ફેરફાર લાવે. તેના મતે એક્ટિંગ માત્ર મનોરંજન નથી, પરંતુ પોતાની સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાની મોટી જવાબદારી છે.

સામાજિક મુદ્દાઓ પર આધારિત યાદગાર ફિલ્મો

રાની મુખર્જીની એક્ટિંગથી પ્રભાવિત થઈને યુનિવર્સિટીના ચાન્સલરે તેના વખાણ કર્યા હતા. રાનીએ ‘બ્લેક’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘હિચકી’, ‘મર્દાની’ શ્રેણી અને ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ જેવી ફિલ્મો દ્વારા દિવ્યાંગતા, સ્ત્રી સશક્તિકરણ અને માનવ અધિકારો જેવા ગંભીર વિષયોને મોટા પડદા પર ખૂબ જ ઈમાનદારીથી જીવંત કર્યા છે. રાનીએ આ સન્માન તમામ દર્શકો અને સમગ્ર ભારત દેશને સમર્પિત કર્યું હતું.

‘મર્દાની ૩’ માં ફરી જોવા મળ્યો ખાખી વરધીનો વટ

વર્કફ્રન્ટની વાત કરીએ તો, રાની મુખર્જી તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્દાની ૩’ માં શાનદાર એક્શન કરતી જોવા મળી હતી. આદિત્ય ચોપડા નિર્મિત અને અભિરાજ મીનાવાલા નિર્દેશિત આ ફિલ્મમાં રાનીએ ફરી એકવાર બહાદુર કડક IPS ઓફિસર શિવાની શિવાજી રોયનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં જાનકી બોડિવાલા પણ મહત્વના રોલમાં છે. આ વખતે વાર્તા ગુમ થયેલી છોકરીઓ અને માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) ના ખતરનાક નેટવર્કનો પર્દાફાશ કરવા પર આધારિત છે. આ પ્રેક્ષકો-ક્રિટિક્સ દ્વારા સરાહાયેલી ફિલ્મ હાલમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.


આ પણ વાંચો :ગોવિંદા પત્ની સુનીતા પર ભડક્યો! ‘હદમાં રહો’ કહી આપી ચેતવણી, ‘શુગર ડેડી’ના નિવેદનથી થયો ગુસ્સો

આ પણ વાંચો :રશ્મિકા મંદાનાની ઈજાથી અટક્યું Allu Arjunની Raakaનું શૂટિંગ? જાણો મોટું અપડેટ

આ પણ વાંચો :‘બાઝીગર’ના બબલુથી 277 કરોડના માલિક બનવા સુધી; જાણો બોલિવૂડના દાદા જોની લીવરનો સંઘર્ષ