Rajkot News/ નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ-CNG નહીં: રાજકોટ CPનો કડક આદેશ, નિયમ તોડશો તો FIR

રાજકોટ (Rajkot)માં નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ, ડીઝલ અને CNG નહીં મળે. CPના જાહેરનામા મુજબ ચેડાં કરેલી નંબર પ્લેટ ધરાવતા વાહનો પર પણ પ્રતિબંધ.

Gujarat Top Stories Rajkot Breaking News
Rajkot

Rajkot News: રાજકોટમાં વાહન (Vehicle)ચાલકો માટે પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. માન્ય નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ, ડીઝલ કે CNG આપવાનો હવે પ્રતિબંધ રહેશે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

નંબર પ્લેટ વગર ઈંધણ નહીં મળે, Rajkot CPનો કડક આદેશ

રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’ના સૂત્ર સાથે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ અને CNG પંપના સંચાલકો તથા કર્મચારીઓએ આગળ અને પાછળ બંને તરફ સ્પષ્ટ અને કાયદેસર માન્ય નંબર પ્લેટ ધરાવતા વાહનોમાં જ ઈંધણ આપવાનું રહેશે. વાહનની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હોય, વાળી દેવામાં આવી હોય, તૂટેલી હોય, ઢાંકવામાં આવી હોય અથવા માટી-કીચડને કારણે અસ્પષ્ટ બની હોય તો પણ આવા વાહનોને ઈંધણ આપવાનું રહેશે નહીં.

આ ઉપરાંત નંબર પ્લેટના અક્ષરો, કદ, રંગ અથવા બનાવટમાં ફેરફાર કરાયેલા હોય તેવા વાહનો પર પણ આ પ્રતિબંધ લાગુ પડશે.

CCTVથી બચવા નંબર પ્લેટ સાથે ચેડાં કરવાની ફરિયાદ

પોલીસ કમિશનર દ્વારા જાહેરનામામાં જણાવાયું છે કે કેટલાક વાહનચાલકો CCTV આધારિત ઈ-ચલણ (E Challan)થી બચવા માટે નંબર પ્લેટ કાઢી નાખતા અથવા તેમાં ચેડાં કરતા હોવાની બાબત ધ્યાને આવી છે. આવી પ્રવૃત્તિથી વાહનની ઓળખ કરવી મુશ્કેલ બને છે. પોલીસના જણાવ્યા મુજબ ઓળખ વગરનાં વાહનોનો ઉપયોગ હિટ એન્ડ રન, ચેઇન સ્નેચિંગ, લૂંટ, ધાડ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓમાં થઈ શકે છે.

નંબર પ્લેટમાં ચેડાં કરવાથી ટ્રાફિક નિયમો (Traffic rules)નું પાલન કરાવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી જાહેર વ્યવસ્થા, સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાહેરનામામાં જણાવાયું છે.

કયા વાહનોને નિયમમાંથી મુક્તિ મળશે?

જાહેરનામા મુજબ દરેક વાહન પર આ નિયમ એકસરખી રીતે લાગુ પડશે નહીં. માન્ય કામચલાઉ રજીસ્ટ્રેશન નંબર ધરાવતા વાહનોને ચોક્કસ શરતો સાથે છૂટ આપવામાં આવી છે. વાહન માલિક પાસે નંબર ઓફ ચોઈસ માટેનું પ્રમાણપત્ર હોય અને તેમાં સંબંધિત વાહનનો કામચલાઉ રજીસ્ટ્રેશન નંબર દર્શાવવામાં આવ્યો હોય તો આવા વાહનોને પણ જોગવાઈમાંથી મુક્તિ મળશે.

આ ઉપરાંત માન્ય ટ્રેડ સર્ટિફિકેટ નંબર ધરાવતા નવા વાહનોને પણ છૂટ આપવામાં આવી છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા અન્ય કટોકટીની સેવા (Emergency Services) સાથે જોડાયેલા વાહનોને પણ આ પ્રતિબંધ લાગુ નહીં પડે.

પેટ્રોલ પંપ પર મોટા સૂચના બોર્ડ લગાવવાના રહેશે

રાજકોટ શહેરના તમામ પેટ્રોલ પંપ અને CNG સ્ટેશનના માલિકો તથા મેનેજરોએ પ્રવેશદ્વાર અને ડિસ્પેન્સિંગ યુનિટની નજીક મોટા સૂચના બોર્ડ લગાવવાના રહેશે. આ બોર્ડ ગુજરાતી તથા હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં હોવા જોઈએ અને તેનું ઓછામાં ઓછું કદ 4×3 ફૂટ રાખવાનું રહેશે. બોર્ડ પર સ્પષ્ટ રીતે નંબર પ્લેટ વગરના વાહનને ઈંધણ નહીં આપવામાં આવે તેવી માહિતી દર્શાવવાની રહેશે.

જો નંબર પ્લેટના અભાવે કોઈ વાહનચાલકને ઈંધણ આપવાનો ઇનકાર કરવામાં આવે અને તે રકઝક, ધાકધમકી, બળપ્રયોગ અથવા અવ્યવસ્થા ઊભી કરે તો પેટ્રોલ પંપ સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરવાની રહેશે. જરૂર પડે ત્યારે 112 નંબર પર પણ સંપર્ક કરી શકાશે. પોલીસ કમિશનર (Rajkot Police Commissioner)નું આ જાહેરનામું 17 ઓગસ્ટ, 2026થી અમલમાં આવ્યું છે અને 16 ઓક્ટોબર, 2027 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન રાજકોટ શહેરમાં માન્ય નંબર પ્લેટ વિના વાહન લઈને ફરતા લોકો માટે ઈંધણ મેળવવું મુશ્કેલ બનશે.


આ પણ વાંચો: અમદાવાદમાં ફેન્સી નંબર પ્લેટનો ક્રેઝ! ટુ-વ્હીલર માટે 0001 નંબર મેળવવા ₹73 હજારની બોલી

આ પણ વાંચો: અમદાવાદ શહેર પોલીસની નંબર પ્લેટ વગરના વાહન અંગે ઝુંબેશ

આ પણ વાંચો: નંબર પ્લેટ વગર સ્કૂટર ચલાવવું એ ગુનો નથી! છેતરપિંડીના કેસમાં હાઈકોર્ટનો મોટો આદેશ